- સોશ્યલ મીડિયા અને જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલો કિસ્સો
- આ પ્રકરણમાં તથ્ય બહાર લાવવા કલેકટર અને SP ને જનહિતમાં રજુઆત
ભરૂચની પૂર્વ પટ્ટી નિકોરા ગામે ફાર્મ હાઉસમાં સદસ્યતાના નામે સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓએ યુવતીઓનું કરેલું શોષણનો કિસ્સો હાલ જિલ્લામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ચોરે અને ચોટે નાઈટ ઇન નિકોરા ફાર્મ હાઉસની થતી ચર્ચામાં જનહિતમાં તથ્ય બહાર લાવવા હવે ભરૂચ આમ આદમી પાર્ટી કેન્દ્રમાં આવી છે.
નિકોરા ફાર્મ હાઉસમાં બનેલ ઘટના ચર્ચાનો વિષય બન્યો….
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ ગુરૂવારે કલેકટર અને જિલ્લા પોલીસ વડાને જનહિતમાં આવેદન પત્ર આપ્યું છે. પાછલા 20 થી 25 દિવસથી લોક મુખે તેમજ સોશ્યિલ મીડિયા પર વહેતા થયા છે, કે ભરૂચના પૂર્વ વિસ્તારમાં નિકોરામાં કોઈ એક ફાર્મ હાઉસમાં માનવતાને તેમજ નારી શક્તિને શર્માવતી ઘટના ચર્ચાનો વિષય બન્યો છે.સત્તાધારી પક્ષના અમુક નેતાઓ તેમજ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધારી જ પક્ષની બે યુવતીઓને સદસ્યતા અભિયાનના નામે બોલાવી યુવતીઓનું દારુ પીને શારીરિક શોષણ કર્યું હોય તેમ આપ ને જાણવા મળેલ છે.જયારે સત્તાધારી પક્ષ નારી સશક્તિકરણ તેમજ બેટી પઢાવો – બેટી બચાવો જેવા મોટા મોટા સ્લોગનો આપનારી પાર્ટી અને પાર્ટીના અમુક લોકો આ નીચ કૃત્યમાં સામેલ હોય તેમ જાણવા મળેલ છે.
યુવતીઓને ન્યાય મળે એવી આશા….
હાલ આવા સમાચાર આ વહેતા પાણીની જેમ ભરૂચમાં ગલી ગલીએ પસરી રહ્યા છે.જો ખરેખર આ વાતમાં તથ્ય હોય તેમજ સાચી હોય તો આ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા એસ.પી ને પણ નમ્ર વિંનતી અપીલ કરાઈ છે. કોઈની પણ રહેમ શરમ રાખ્યા વગર કાયદાની અને સત્તાની આડમાં તેમજ સત્તાના નશામાં જે તત્વો ગોરખ ધંધામાં સામેલ એવા વિલાસીઓને કાયદામાં લાવીને નિષ્પક્ષ તપાસ કરવી તેમજ કરાવવી તે અત્યંત જરૂરી છે.જેથી પાર્ટી તેમજ સમાજના લોકોને ખબર પડે કે સત્તાના નશામાં જે લોકો ખોટા કામો, હીન કાર્ય કર્યા છે તે દોષીઓ ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જો સમાચારમાં ખરેખર તથ્ય હોય તો જલ્દીથી તપાસનો વિષય બનાવી દોષીઓ ઉપર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી પીડિત યુવતીઓને ન્યાય મળે એવી આશા આપે વ્યક્ત કરી છે.