Published By : Parul Patel
- શાસક પક્ષે માર્ગોના ખાડા અને અધૂરા કામો પૂર્ણ કરવાનો સુર આલાપ્યો
- વિપક્ષે સાત દિવસમાં માર્ગો દુરસ્ત ન કરાય તો આંદોલનનો રાગ છેડયો
- પાલિકા પ્રમુખ અમિત ચાવડાના કાર્યકાળની છેલ્લી સામાન્ય સભામાં તમામ 41 કામો સર્વાનુમતે મંજુર
ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાના કાર્યકાળની મળેલી છેલ્લી સામાન્ય સભામાં ખાડા, ખુલ્લી ગટરો, અધૂરા કામો, હરાયા ઢોરના પ્રશ્નો વિપક્ષે ઉઠાવ્યા હતા.

પાલિકા પ્રમુખ અમિત ચાવડાના કાર્યકાળની આજે સોમવારે મળેલી છેલ્લી સભામાં એજન્ડા પરના તમામ 41 કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા. સભામાં ભાજપ શાસકોએ રસ્તાના અધૂરા કામો, માર્ગો પર શહેરમાં પડેલા ખાડાઓ દુરસ્ત કરવાને પ્રાથમિકતા આપવાનો સુર આલાપ્યો હતો. સાથે પાંચબત્તી – સેવાશ્રમ રોડના ₹ 3 કરોડના માર્ગની કામગીર્રી અધૂરી છોડનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાયો હોવાની માહિતી આપી હતી. કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરી મુજબ 55 લાખ જેટલું જ ચુકવણું કરાયું હોવાનો પણ ફોડ પાડ્યો હતો. વધુમાં તમામ 11 વોર્ડમાં ભૂતિયા ગેરકાયદે પાણીના જોડાણો શોધી તેને કાપી નાખવા તેમજ કાયદેસર કરવાની કામગીરી કરવાનો ચિતાર અપાયો હતો. વિપક્ષ કોંગ્રેસે સાડા ત્રણ કરોડના ફુરજા રોડ, ત્રણ કરોડના સેવાશ્રમ રોડની અધૂરી કામગીરી અને હલકી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. ખુલ્લી ગટરમાં બાળક પડવાનો બનાવ, બ્લોક બેસી જવા, માર્ગો પર ખાડા, હરાયા ઢોર મુદ્દે શું શાસકો લોકોનો જીવ જશે ત્યારે જ જાગશે તેવો કરાક્ષ કરી શાસકોને ભીંસમાં લીધા હતા. સાત દિવસોમાં રસ્તા, ખુલ્લી ગટરો અને હરાયા ઢોરની સમસ્યા દૂર ન કરાઇ તો વિપક્ષે આંદોલન છેડવા પણ સભામાં હુકારો કર્યો છે. આજની સભામાં ઉપપ્રમુખ, મુખ્ય અધિકારી, શાસક અને વિપક્ષના નેતા, વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.