Published By : Patel Shital
- પાલિકા પ્રમાણે 18 લાખનું જ પેમેન્ટ બાકી, ગ્રાન્ટ આવતા કરાશે ચુકવણું
- 4 વખત નોટિસ આપ્યા છતાં અઘરું કામ પૂર્ણ ન કરવાનો પણ આક્ષેપ
- દોઢ વર્ષથી કામ થઈ ગયું હોવા છતાં પેમેન્ટ ન અપાતું હોવાની કોન્ટ્રાક્ટરની રાવ
ભરૂચ પાલિકા સામે 4 કામના બાકી ₹40 લાખ માટે ભગીરથ કન્સ્ટ્રકશનના કોન્ટ્રકટર તંબુ ટાણી અનશન પર ઉતર્યા છે. પાલિકા દ્વારા 18 લાખનું પેમેન્ટ બાકી અને તેઓએ કામ અધૂરું મૂક્યું હોવાની કેફિયત વ્યક્ત કરાઈ છે.
ભરૂચ નગરપાલિકાના રોડ, પેવર બ્લોક સહિતના કામો માટે ટેન્ડર પ્રક્રિયાથી ભગીરથ કન્સ્ટક્શનના ગિરધરભાઈ ઝાલાએ કોન્ટ્રાકટ મેળવ્યો હતો. શહેરના વિવિધ વોર્ડમાં રસ્તા અને પેવર બ્લોકના 4 કામો પૂર્ણ કરી દેવાયા હતા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/BHARUCH-NAGARPALIKA-7.png)
આ કામો પૂર્ણ કર્યે અત્યાર સુધીમાં કોન્ટ્રકટરના કહેવા મુજબ દોઢ વર્ષનો સમય થવા છતાં પાલિકાએ ₹ 40 લાખ ઉપરાંતનું પેમેન્ટ અટકાવી રાખ્યું છે. બાકીનું કામ પૂર્ણ કરશો તો જ પેમેન્ટનું ચુકવણું કરવાની તાકીદ કરાઈ છે.
જે સામે કોન્ટ્રાક્ટર જ્યાં સુધી પેમેન્ટ નહિ ચૂકવાઈ ત્યાં સુધી પાલિકા કચેરીમાં અનશન પર ઉતરી ગયા છે. કોન્ટ્રકટરના કહેવા મુજબ કસકના રૂપિયા 19 લાખ, વોર્ડ નંબર 5 ના પરમાર ફળિયાના ₹3.5 લાખ, ફુરજા જેટીના ₹5 લાખ અને મારૂતિ નગરના ₹13 લાખ પાલિકાએ ચૂકવા નથી. કામ કરાવ્યા બાદ હવે ગ્રાન્ટ આવતા પેમેન્ટ ચૂકવાશે તેમ પાલિકા કહી રહી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/06/BHARUCH-NAGARPALIKA-8.png)
બીજી તરફ પાલિકા મુખ્ય અધિકારી દશરથસિંહ ગોહિલે માત્ર ₹18 લાખ બાકી હોવાનું તેમજ કોન્ટ્રાક્ટરે કામ અધુરું છોડ્યું હોવાનું કહ્યું છે. જે અંગે તેને કામ ચાલુ કરવા 4 થી 5 વખત નોટિસ અપાઈ છે. 4 હપ્તે ગ્રાન્ટ આવે તેમ કામોના પેમેન્ટ અપાશે.