ભરૂચ પોલીસે ઝઘડિયાના દધેડા ગામેથી વધુ એક લઠ્ઠાકાંડ થતા રોકી લીધો છે. મૂળ આંધ્રપદેશના યુવાનની કેમિકલ યુક્ત તાડી બનાવવાના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે.
તાજેતરમાં રાજ્યના બરવાળા અને ધંધુકા તાલુકાઓમાં થયેલ લઠ્ઠાકાંડને લઇને 55 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાને લઇને ભરૂચ જીલ્લામાં પોલીસે બુટલેગરો પ્રત્યે લાલ આંખ કરી છે.
ઝઘડિયાના દધેડા ગામે કેમિકલના માધ્યમથી તાડી બનાવી વેચાણ કરતાં ઇસમની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ભરૂચના ઝઘડિયા તાલુકાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ દધેડા ગામેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુળ આંધ્રપ્રદેશનો અને હાલ દધેડા ગામે રહેતો પુટ્ટા સૈયદુલુ પુટ્ટા વેન્કટયાને કેમિકલયુક્ત તાડી બનાવતો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઇસમ રુમમાં ગેરકાયદેસર રીતે તાડી બનાવવાના પદાર્થ જેવા કે સેકરીન ,સાઇટ્રીક એસિડ, મોનોહાઇટ્રેટ ચુનો સફેદ પાવડર લીંબુફુલ તેમજ અન્ય એક પીળો પદાર્થ, પાણી મિશ્રણ કરીને પીવાની નુકશાનકારક તાડી બનાવતો ઝડપાતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસે સ્થળ પરથી રૂ. 1 લાખથી વધુના મદ્દમાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.