- માય લિવેબલ ભરૂચ હેઠળ શહેરમાં 3, 5, 10 અને 21 કિમી દોડનું કરાયું છે આયોજન
- 18 મી એ મેરેથોન માટે અત્યાર સુધી 2095 લોકોએ રજિસ્ટ્રેશન કરાવી સરેરાશ ચૂકવા રૂ.7.31 લાખ
- રજીસ્ટ્રેશનના રૂપિયા પાછળ ભાગ લેનાર સ્પર્ધકોને કીટ, ટી શર્ટ, ઇનામ, પ્રમાણ પત્ર, મેડલ, બ્રેક ફાસ્ટ સહિતનો સમાવેશ
ભરૂચમાં માય લિવેબલ ભરૂચ હેઠળ 18 સપ્ટેમ્બરે 3, 5, 10 અને 21 કિમીની મેરેથોન દોડનું આયોજન કરાયું છે. ચાર કેટેગરીમાં અત્યાર સુધી 2095 દોડવીરોએ નામ નોંધણી કરાવી છે.
માય લિવેબલ ભરૂચ હેઠળ રોકવુલ કંપની, રોટરી કલબ, સ્ટીરિયો એડવેન્ચર સહિતના આ ઇવેન્ટમાં સહભાગીઓ છે. જોકે રજિસ્ટ્રેશન ફી ચાર કેટેગરીમાં રૂ.199, 299, 399 અને 499 રાખવામાં આવી હોય લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી 1310 કોલેજ સ્ટુડન્ટ, 105 શાળાના વિધાર્થીઓ, 680 કોર્પોરેટ અને ઓપન રનરે મળી કુલ 2095 દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે શહેરની સામાન્ય પ્રજામાં ખટરાગ અને કચવાટ જોવા મળી રહ્યો છે કે, માય લિવેબલ ભરૂચ હેઠળ મેરેથોન દોડ યોજાઈ રહી હોય તો રજિસ્ટ્રેશન ફી શુ કરવા લેવાઈ રહી છે.જેની સામે ઇવેન્ટ આયોજકો દોડવીરો માટે વ્યવસ્થા અને આયોજન ખર્ચ ગણાવી રહ્યા છે. તમામ દોડવીરોને કેપ, ટી શર્ટ, લાઈટ રિફ્રેશમેન્ટ, વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર અને ઇનામ પણ સમાયેલા હોય જે પાછળ રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી હોવાની માહિતી સાંપડી રહી છે.
હવે હાલની સ્થિતિએ જોઈએ તો મેરેથોન દોડ માટે અત્યાર સુધી 2095 દોડવીરોની સરેરાશ ગણતા રૂપિયા જેટલી 7.31 લાખ જેટલી અંદાજીત રકમ રજિસ્ટ્રેશન ફી થકી આવી છે. હાલના કુલ સ્પર્ધકો મુજબ એક દોડવીરને સરેરાશ એક કિલોમીટરની દોડ માટે સરેરાશ 47 રૂપિયા અને 44 પૈસા રજિસ્ટ્રેશન ફી પેટે ચૂકવવા પડશે.