- શેલ્ટર હોમ કોન્ટ્રકટરોના કામદારો માટે બન્યું ગેસ્ટ હાઉસ
- વિપક્ષ કોંગ્રેસ આ મુદ્દે લડી લેવાના મૂડમાં, પાલિકા પાસે માંગશે ખુલાસો
- પાલિકા મુખ્ય અધિકારી અને સંચાલક સંસ્થાએ સરકારની ગાઈડલાઈન મુજબ જ આશરો આપતો હોવાનો ફોડ પાડ્યો
ભરૂચમાં સિવિલ રોડ ઉપર રૂપિયા એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રેનબસેરામાં કોન્ટ્રકટરના મોબાઈલ ધારક મજૂરો રાત્રીરોકાણ કરતા હોવાનો વિવાદ વકરો હતો.
ભરૂચ સિવિલ રોડને અડીને રૂપિયા એક કરોડના ખર્ચે રેનબસેરાનું નિર્માણ કરાયું હતું. જેનું સંચાલન ભરૂચ પાલિકા દ્વારા સેવા યજ્ઞ સમિતિને સોપાયું હતું. સોમવારે રાતે રેનબસેરામાં કોન્ટ્રકટરના મજૂરો રાતવાસો કરતા હોવાનો વિવાદ ઉઠ્યો હતો. મોબાઈલ ધારક કોન્ટ્રકટના મજૂરો રેનબસેરામાં રાતે પડાવ નાખી રહ્યા છે. જ્યારે ખરેખર બેઘર-નિરાશ્રીતોને ફૂટપાથ ઉપર જ રાત વિતાવવી પડતી હોવાને લઇ હંગામો મચી ગયો હતો.
રેનબસેરામાં કોન્ટ્રાકટના મજૂરોના ધામાને લઈ ઉભા થયેલા વિવાદ અંગે પાલિકા મુખ્ય અધિકારી દશરથ ગોહિલે જણાવ્યું હતું કે, રેનબસેરામાં ભિક્ષુકો, ફૂટપાથ ઉપર રહેતા લોકો, નિરાશ્રીતો સહિત મજૂરોને રાત્રે આશરો આપવાની સરકારી જોગવાઈ છે. જે મુજબ જ તેમને રાત્રે રાખવામાં આવે છે.

રેનબસેરાનું સંચાલન કરતા સેવા યજ્ઞના હિમાંશુ પરીખે કહ્યું હતું કે, વિવાદને કોઈ સ્થાન નથી. સરકારી ગાઈડલાઈન મુજબ મજૂરો, ભિક્ષુકો, બેઘર, ગરીબો, વૃદ્ધોને રાત્રી આશરો અપાઈ છે. જેમને લેવા જવા માટે વાહનનો પણ ઉપયોગ કરાય છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દે મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી. સાથે જ પાલિકા પાસે ખુલાસો માંગી આગામી દિવસમાં આની તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ આક્ષેપ કર્યો છે કે, શેલ્ટર હોમ કોન્ટ્રાકટરો, કેટરસના કામદારો માટે ગેસ્ટ હાઉસ બની ગયું છે. કોન્ટ્રકટના કામદારો, મજૂરોની જવાબદારી જે તે કોન્ટ્રાકટરની રહે છે ત્યારે સરકારે ગરીબો, બેઘર, નિરાશ્રીત, ભિક્ષુકો માટે બનાવેલા રેનબસેરાનો મજૂરોને આશરો આપી વહીવટ ચાલતો હોવાનો પણ આક્ષેપ વિપક્ષે કર્યો છે.