Published By : Patel Shital
- પાછલા 4-5 વર્ષથી લોકો પ્રાકૃતિક અને વૈદિક હોળી તરફ વધતાં લાકડાંની ઓછી થતી ખપત
- લાકડાંના વેપારીઓનો હવે પેહલા કરતાં હોળીએ વ્યવસાય ઓછો થઈ રહ્યો હોવાનો ખેદ વ્યક્ત
ભરૂચ શહેર અને જિલ્લામાં હવે હોળીએ લાકડાંનું દહન ઘટી રહ્યું છે. જેને લઈ હજારો મણ લાકડાંના વેચાણમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે.
હિંદુઓના તહેવારો હવે ઇકો ફ્રેન્ડલી અને પ્રકૃતિમય વધુ બની રહ્યાં છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે લાકડાંનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ સોસાયટી વચ્ચે સામુહિક એક જ હોળી, પ્રાકૃતિક, વૈદિક હોળીના પાછલા 4-5 વર્ષમાં વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાંના ભાવોમાં માત્ર 1 રૂપિયાનો વધારો થયો છે પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં 70 વર્ષ ઉપરાંતથી લાકડાનો વ્યવસાય કરતાં વેપારીએ જણાવ્યું હતું કે, લાકડાંનો કિલોનો ભાવ 8 રૂપિયા અને મણના 160 છે પણ વેચાણમાં ભારે ઘટાડો છે. જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કરણભૂત છે.