- રાજસ્થાન તરફથી બસના લગેજ ખાનામાં પીપરમીટના પેકિંગમાં નશીલા પદાર્થની હેરફેર
- ઝાડેશ્વર ચોકડી ખાતે વોચ ગોઠવી બે ડ્રાઈવર, ક્લીનર અને સુરતના બે ઇસમોને જથ્થા સાથે ઝડપી લેવાયા
ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લકઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો છે.
વર્ષ 2022 માં ભરૂચ જિલ્લો ડ્રગ્સમાં ગુજરાતભરમાં ગાજયો હતો. ડ્રગ્સ બનાવતી ફેકટરી સાથે એમ.ડી. ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફીણનો 3500 કરોડથી વધુનો માતબર જથ્થો પકડાયો હતો.
નશીલા પદાર્થના પેડલરો અને કેરિયરોએ ભરૂચને જાણે ડ્રગ ઉત્પાદન, વહન અને વેચાણનું કેન્દ્ર બનાવી દીધું હતું. જોકે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની આગેવાનીમાં જિલ્લા પોલીસ, SOG, LCB એ નશીલા પદાર્થોના સોદાગરો ઉપર વર્ષભર તવાઈ બોલાવી હતી.
નવા વર્ષ 2023 ત્રીજા દિવસે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હાઇવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુ.પી. પાસિંગની લકઝરી બસમાં મોટી માત્રામાં માદક પદાર્થ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે SOG એ ઝાડેશ્વર ચોકડી ઉપર વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ લકઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરાઇ હતી. બસના લગેજ ખાનામાં પીપરમીટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ. ની મદદથી આ નશીલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયા બાદ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.
અંદાજે 1.57 કરોડના ગાંજાના જથ્થા સાથે લકઝરી બસના બે ડ્રાઈવર, ક્લીનર અને સુરતના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી. એ આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં લઈ જવાય રહ્યો હતો. કોણે લકઝરીમાં મોકલી ક્યાં પોહચાડવાનો હતો સહિતની તપાસ હાલ શરૂ કરી છે. જે અંગે વધુ વિગતોની રાહ જોવાય રહી છે.