Published By : Patel Shital
આતંકવાદી પોલીસના હાથે ઝડપાય ત્યારે તેની તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સપાટી પર આવે છે. મુબઈમાં આતંકી ગતિવિધિની શંકાના આધારે ઈન્દોરથી ઝડપાયેલ સરફરાઝે એવો દાવો કર્યો છે કે તેની ચીની નાગરિકત્વ ધરાવતી પત્નીએ જ તેને ફસાવવા માટે આતંકી ગતિવિધિઓની ખોટી માહિતી ભારતીય એજન્સીઓને આપી છે. તેની પત્ની સાથે તકરાર ચાલે છે અને બંનેના છૂટાછેડાનો કેસ પણ ચીનની અદાલતમાં વિચારાધીન છે. એજન્સીઓ હવે સરફરાઝના આ દાવાની ચકાસણી કરી રહી છે.
ઇન્દોર પોલીસે ગત મંગળવારે ૪૦ વર્ષના સરફરાઝની અટક કરી હતી. હોંગકોંગ અને મેનલેન્ડ ચાઇનામાં વર્ષો સુધી રહેનાર સરફરાઝ છેલ્લા થોડા સમયથી ઇન્દોરના ચંદનનગર પોલીસ સ્ટેશનની હદમાં રહે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૮ દરમિયાન તેણે મેનલેન્ડ ચાઇના અને હોંગકોંગમાં નોકરી કરી હતી. ઇન્દોરના DCP રજત સકલેચાએ જણાવ્યું હતું કે સરફરાઝની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને તેના બાબતની ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી તેની પત્નીના વકીલે ભારતીય ગુપ્તચર એજન્સીઓને આપી હતી. તેની ચીની પત્ની સાથે છૂટાછેડાની પ્રક્રિયા ત્યાંની કોર્ટમાં ચાલી રહી છે અને તેણે જ આ વાત ઉપજાવી કાઢી છે. સરફરાઝના આ દાવાની ચકાસણી ઇન્દોર પોલીસ સાથે મહારાષ્ટ્ર ATS અને અન્ય એજન્સીઓ કરી રહી છે. સરફરાઝ મેમણનું નાનપણ મુંબઇમાં પસાર થયું હોઇ 9 વર્ષ સુધી તે દક્ષિણ મુંબઇની એક સ્કૂલમાં ભણતો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૯૨માં તેનો પરિવાર ઇન્દોર રહેવા જતો રહ્યો હતો. DCP સકલેચા અનુસાર સરફરાઝ ૨૦૧૮માં ફરીથી ઇન્દોર આવી ગયો હતો અને અહીં આવી તેણે ચોથા લગ્ન કર્યા હતા. સરફરાઝ દવા, કપડા અને ઓઇલના ધંધા સાથે સંકળાયેલો છે. તે ફક્ત 5 જ ધોરણ ભણ્યો હોવા છતાં તેને અંગ્રેજી અને ચીની ભાષા આવડે છે. કારણ કે તે વર્ષો સુધી વિદેશમાં રહ્યો છે. આ પહેલાણી NIA એ મુંબઇ પોલીસ સહિત મહારાષ્ટ્ર અને અન્ય ટોચની ગુપ્તચર એજન્સીઓને એક ઇ-મેલ મોકલી મુંબઇમાં એક ખતરનાક વ્યક્તિ ફરી રહી છે તેવું જણાવી પોલીસને સતર્ક અને સાવચેત રહેવાની ચેતવણી આપી હતી.