Published by : Rana Kajal
મુક્ત વેપાર અને ટેકનોલોજીની હિમાયત ભારત વર્ષોથી કરતું આવ્યું છે. જેના હાલ નક્કર પરિણામો આવી રહ્યાં હોય એમ જણાઈ રહ્યું છે.મુક્ત વેપાર તેમજ ટેકનોલોજીના આદાન પ્રદાન અંગે બ્રિટન સાથે ટૂંક સમયમાં 8મા રાઉન્ડની મંત્રણા શરૂ થશે.
બ્રિટન તથા યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (એફટીએ) માટે ભારતની વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી હોવાનું કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું. વાટાઘાટોના આગામી રાઉન્ડની શરૂઆત ટૂંક સમયમાં થશે એમ સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં જ ભારતે બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંબંધિત વાટાઘાટોનો છઠ્ઠો તથા ઇયુ સાથે ત્રીજો રાઉન્ડ સંપન્ન કર્યો હતો.
ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બન્ને એગ્રીમેન્ટ્સમાં ચીજવસ્તુઓ, સેવાઓ, શ્રમ, પર્યાવરણ તથા રોકાણને લઈને વિસ્તૃત ચર્ચા થઈ હતી. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે બ્રિટન સાથેના છેલ્લા રાઉન્ડમાં બન્ને દેશો વચ્ચે સાનુકૂળ વાતાવરણ રચાયું હતું તથા બન્ને દેશો વચ્ચેની સમજણ વધુ સઘન બની હતી. ગત વર્ષે 13 જાન્યુઆરીથી બ્રિટન સાથે એફટીએ માટે વાટાઘાટોની શરૂઆત થઈ હતી.ભારત અને ઇયુ વચ્ચે એફટીએ માટેની વાટાઘાટો 8 વર્ષ બાદ ગત વર્ષે 17 જૂનથી ફરી શરૂ થઈ છે. 2021-22માં ભારત-ઇયુ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 43.5 ટકા વધીને 116.36 અબજ ડૉલર થયો હતો.
તેમજ ભારત અને બ્રિટન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2020-21માં 13.2 અબજ ડૉલરથી વધીને 2021-22માં 17.5 અબજ ડૉલર થયો હતો. 2021-22માં બ્રિટનમાં ભારતે 10.5 અબજ ડૉલરની નિકાસ કરી હતી. જ્યારે આયાત 7 અબજ ડૉલરની હતી.તે સાથે અમેરિકાએ 2019માં ભારતને મળતા જીએસપી (જનરલાઇઝ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ)ના લાભો બંધ કર્યા હતા. આ સુવિધા હેઠળ ઑટો કોમ્પોનન્ટ, ટેક્સટાઇલ મટીરીયલ સહિત 2 હજારથી વધુ પ્રકારની ચીજવસ્તુઓ અમેરિકામાં ડ્યુટી ફ્રી પ્રવેશી શકતી હતી. ભારતે જીએસપીના લાભ ફરી શરૂ કરવા માટે અમેરિકા સાથે મંત્રણા શરૂ કરી છે.