- વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં આ વિશેષ વનનું નિર્માણ કરાયું છે.
- દેશ-વિદેશના મુલાકાતીઓ કચ્છની ખુમારીથી અભિભૂત થયાં, સ્થાનિકો માટે હવે આ સ્થળ કલ્ચરલ હબ બની રહ્યું છે
- રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટર
28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં જાન્યુઆરી 20 સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2 લાખ 80 હજાર લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે જ્યારે 1 લાખ 10 હજારથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી થઇ રહી છે, જેના લીધે છેવાડાના માનવી સુધી ખુશહાલી પહોંચી છે.

ફીટનેસ, યોગ ક્લાસ, ઓપન માઇક અને સંગીતના કાર્યક્રમો
ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યાં છે.

જાણીતી હસ્તીઓ મ્યુઝિયમથી અભિભૂત થઈ
ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, આરબીઆઇના ગવર્નર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.
