Published by : Rana Kajal
દેશમાં ઘણી એવી વસ્તુઓ છે જે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે. આવી જ એક પ્રતિમા કેરળના કોલ્લમના જટાયુ પાર્કમાં સ્થાપિત છે.આ પાર્કમાં વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા બનાવવામાં આવી છે. દુનિયાના આ સૌથી મોટા પક્ષીની પ્રતિમા પવિત્ર રામાયણ ગ્રંથ સાથે સંબંધિત છે.65 એકરમાં બનેલ જટાયુ નેચર પાર્ક કેરળ રાજ્યના કોલ્લમ જિલ્લાના ચદયામંગલમ ગામમાં છે.

પૌરાણિક કથા સાથે જોડાયેલી આ મૂર્તિ 200 ફૂટ લાંબી, 150 ફૂટ પહોળી અને 70 ફૂટ ઊંચી છે. તે ભારતની સૌથી મોટી પ્રતિમાઓ પૈકીની એક છે, તેમજ વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા પણ છે.રાજીવ આંચલ એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, શિલ્પકાર છે અને ગુરુચંદ્રિકા બિલ્ડર્સ એન્ડ પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.

આ નેચર પાર્કનો ભવ્ય પ્રોજેક્ટ અને આકર્ષક પક્ષી શિલ્પ બનાવવાની તેમની પાસે વિઝન હતું. આ મૂર્તિને બનાવવામાં સાત વર્ષ લાગ્યા હતા. કોંક્રીટથી બનેલા આ સ્ટ્રક્ચરને સ્ટોન ફિનીશીંગ આપીને બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં ઘણી મુશ્કેલીઓ હતી કારણ કે તમામ ઘટકોને ટોચ પર લઈ જવાનું ખુબ જ મુશ્કેલ હતું.

આ મૂર્તિમાં ઓડિયો-વિઝ્યુઅલ આધારિત ડિજિટલ મ્યુઝિયમ પણ છે જે રામાયણ વિશે જણાવે છે.એવું માનવામાં આવે છે કે રામાયણમાં જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરીને લંકા જઈ રહ્યો હતો ત્યારે તેનો સામનો જટાયુ સાથે થયો હતો. જે બાદ તેમની વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં પૌરાણિક પક્ષી રાવણ દ્વારા માર્યા ગયા પછી તે ચાદયમંગલમની પર્વતની ટોચ પર પડ્યું હતું.

જટાયુએ સીતા માતાને બચાવવા માટે રાવણ સાથે પરાક્રમથી યુદ્ધ કર્યું, પરંતુ વૃદ્ધ હોવાને કારણે તે રાવણને રોકી શક્યો નહીં અને રાવણે તેને મારી નાખ્યો. આ મૂર્તિ તે જ જગ્યાએ એક ટેકરીની ટોચ પર સ્થિત છે જ્યાં ભગવાન રામને અપહરણ વિશે જાણ કર્યા પછી તેણે અંતિમ શ્વાસ લીધા હતા.