- લમ્પી વાયરસને લઈને આજે મહત્વની બેઠક બોલાવી હતી
- પશુઓના રસીકરણ અને અન્ય પાલન પર ચર્ચા
ભારતમાં કોરોના વાયરસથી બાદ હવે પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસે સરકારની ચિંતા વધારી છે. લમ્પી વાયરસના કારણે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 67 હજારથી વધારે પશુધનના મોત થઈ ચુક્યા છે. તેનાથી દૂધ ઉત્પાદન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. તેને લઈને આજે એક મહત્વની બેઠક બોલાવાઈ હતી. પશુપાલન અને ડેરી વિભાગના સચિવ જતિન્દ્ર નાથ સ્વૈને કહ્યું છે કે, હાલમાં ગોટ પોક્સ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રસી 100 ટકા પ્રભાવી છે. જો કે, આ રસીની સંખ્યા મર્યાદિત હોવાની હાલમાં મોટી અડચણો આવી રહી છે. તેને બનાવતી કંપનીને તેનું ઝડપી ઉત્પાદન કરવા માટે જણાવાયું છે.
લમ્પી વાયરસથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે તકલીફો જોવા મળી છે. અહીં સૌથી વધારે પશુધન ચપેટમાં આવી ગયું છે. આંધ્ર પ્રદેશ અને અંડમાન તથા નિકોબાર દ્વિપ સમુદ્રમાં અમુક છુટક કેસો સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ રોગને ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે. આ રોગમાં પશુઓને સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી રોગ છે જે અસર કરતા જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.
લમ્પી વાયરસથી પશુઓના મોતના કારણે દૂધ ઉત્પાદન પર પણ તેની અસર વર્તાઈ રહી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું કે, ગુજરાતમાં દૂધ ઉત્પાદન 0.5 ટકા નીચે આવી ગયું છે. કારણ કે રસીકરણથી ગુજરાતમાં સ્થિતિ કંટ્રોલમાં છે. જો કે, બીજા રાજ્યોમાં તેની વ્યાપક અસર માનવામાં આવે છે. મધર ડેરીના ડિરેક્ટર મનીષ બંદલિશે કહ્યું કે, સમગ્ર યોજનામાં દૂધના ઉત્પાદન પર મામૂલી અસર પડી છે.