Published By : Parul Patel
હિંદુ સમાજમાં અને તેના શાસ્ત્રોમાં વ્રત-ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અગિયારસ, નવરાત્રી, શ્રાવણ મહિનો, અધિક માસ કે પુરુષોત્તમ માસ કે બીજા કેટલાક દિવસો દરમિયાન ઉપવાસ કરે છે અને ભોજન નથી લેતાં અથવા તો ફરાળ કરે છે.
ફરાળમાં મોટાં ભાગનાં ફળ, અમુક પ્રકારનાં શાક કે ખાદ્યપદાર્થને જ આરોગી શકાય છે. આમાં જ એક સામગ્રી છે, સાબુદાણા, જેને ખીચડી, વડાં, વેફર, ખીર, કઢીની જેમ અલગ-અલગ સ્વરૂપે ખાવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ ફિશ કરીમાં પણ થાય છે.
સાબુદાણા મૂળ ભારતીય નથી અને લગભગ દોઢસો વર્ષથી જ તે દેશમાં પ્રચલિત બન્યા છે. આની પાછળ દક્ષિણ ભારતના એક રાજવીએ દૂરંદેશીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આ ખાદ્યપદાર્થે 19મી અને 20મી સદી દરમિયાન હજારો-લાખો ભારતીય નાગરિકોના જીવ બચાવ્યા છે. 1940ના દાયકામાં વૈશ્વિકસ્તરે એક ઘટના ઘટી, હતી. જેના કારણે સાબુદાણાનો ફેલાવો થયો હતો.

સાબુદાણા મૂળ કસાવા નામના કંદમૂળમાંથી પોતાનો આકાર મેળવે છે. કસાવા કદ અને આકારમાં તે શક્કરિયાં જેવા હોય છે, જ્યારે બહારની બાજુએ પાંદડાં હોય છે. જેમ શેરડીની ગાંઠનું (સ્ટેમ) વાવેતર કરવામાં આવે છે, એવી જ રીતે કસાવાનું વાવેતર કરવામાં આવે છે અથવા તો તે નર્સરીમાંથી પણ મળી રહે છે. સીટીસીઆરઆઈ (CTCRI) ની વેબસાઇટ પ્રમાણે, આ બારમાસી પાક છે, જેને ગમે ત્યારે વાવી શકાય છે. આ પાક 9 થી 11 મહિનામાં તૈયાર થઈ જાય છે. આ પાકની હૅક્ટરદીઠ કૅલરી વૅલ્યૂ ઊંચી છે. વિશ્વની સરેરાશ કરતાં ભારતમાં તેનું હૅક્ટરદીઠ ઉત્પાદન ત્રણ ગણું છે. તેને ઓછાં પાણી, ઓછી માવજતની જરૂર પડે છે. અને રોગ લાગવાની શક્યતા પણ ઓછી હોય છે, તેને બે પાકની વચ્ચે ખાસ ઉપજાઉ ન હોય તેવી જમીન ઉપર પણ લઈ શકાય છે. મુખ્ય શરત એ છે કે પાણીનો ભરાવો ન થવો જોઈએ. જ્યારે આ પાક તૈયાર થઈ જાય છે, ત્યારે તેના મૂળને કાઢીને ફૅક્ટરીમાં મોકલી દેવામાં આવે છે.
જ્યાં પાણી વડે સાફ કરીને તેમાંથી ધૂળ, માટી, ઝાંખરાં અને કાંકરા દૂર કરી દેવામાં આવે છે. ફેક્ટરીમાં તેનું જ્યુસ કાઢી પહેલા ગાંગડા અને પછી મોતી જેવો આકાર આપવામાં આવે છે. કસવાની છાલનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તેના સફેદ ગાંગડા ટાપિયૉકા તરીકે પણ ઓળખાય છે. આ પ્રક્રિયા લાંબી છે.
1780ના દાયકામાં અંગ્રેજ તેમની સાથે ત્રાવણકોર લાવ્યા હતા અને 1840ના દાયકામાં તેના વાવેતર વિશે માહિતી મળી હતી. ત્રાવણકોર રાજ્યની જમીન ખૂબ જ ફળદ્રૂપ હોવાને કારણે ત્યાં તમામ પ્રકારના પાક લઈ શકાતા હતા. છતાં 1860ના દાયકામાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે રાજ દ્વારા કસાવાના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ માટે તેમણે પ્રચારસામગ્રી ચૂપાવી હતી. જ્યારે લોકોના મનમાં તેની ખાદ્ય અંગે સવાલ ઊભા થયા, ત્યારે તત્કાલીન રાજવીએ તેની વાનગીઓને પોતાના રજવાડી ભોજનમાં સામેલ કરી હતી, જેથી લોકોમાં ભરોસો બેસે. ત્રાવણકોર રાજના લોકોની વચ્ચે ટાપિયૉકોએ સ્થાન લઈ લીધું હતું. તે ચોખા જેટલું સ્થાન ધરાવતું ન હતું, પરંતુ સ્ટાર્ચને કારણે તેનું મહત્ત્વ હતું. મુંબઈ અને અમદાવાદની કાપડની મિલોમાં અહીંના સ્ટાર્ચની માગ રહેતી અને અમેરિકામાં પણ ટાપિયૉકાની નિકાસ થતી.

રજવાડામાં થાઇલૅન્ડ અને બર્માથી (હાલનું મ્યાનમાર) ચોખાની આયાત થતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સપ્લાય-ચેઇન ખોરવાઈ ગઈ હતી. ત્યારે તત્કાલીન શાસકોએ ફરીથી આ પાક તરફ નજર કરી હતી. આમ બંને વિકટ સમયગાળા દરમિયાન ત્રાવણકોર તથા આજુબાજુના હજારો-લાખો લોકોનાં જીવ આ પાકને કારણે બચી ગયા હતા. ટાપિયૉકાની નિકાસ પહેલાં મંજૂરી, વેપારીઓએ સ્ટૉકનો હિસાબ રાખવો, નિકાસ કરતાં પહેલાં મંજૂરી લેવી, ભાવ બાંધણું વગેરે જેવાં પગલાં પણ લેવાંમાં આવ્યાં હતાં. આઝાદી પછી ખેડૂતો નાળિયેર, કાજુ અને રબર જેવા રોકડિયા પાક તરફ વળ્યા છે. જ્યારે નવગઠિત તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં કસાવાનું ચલણ વધ્યું અને તેના સ્ટાર્ચનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં થાય છે. ખાડી દેશોમાં વસતા દક્ષિણ ભારતીયોમાં તેની વિશેષ માંગ રહે છે.
અન્ય એક થિયરી પ્રમાણે, 17મી સદી દરમિયાન સૌપ્રથમ પૉર્ટુગીઝો પોતાની સાથે આ છોડને મલાબાર પ્રદેશમાં લાવ્યા હતા, પરંતુ પછીનાં વર્ષોમાં તેનું ચલણ વધ્યું.
ગુજરાતમાં સાબુદાણા ફરાળ માટેની વાનગી છે, પરંતુ દક્ષિણમાં ટાપિયૉકા ફિશ કરી અને ટાપિયૉકા આમલૅટ જેવી નૉન-વેજ વાનગીઓ પણ પ્રચલિત છે. તાડમાંથી પણ ટાપિયૉકા મળે છે અને તેનો લોટ થોડો કરકરો હોય છે. બૅકિંગમાં, મીઠાઈમાં કે પુડિંગમાં ઘટ્ટતા લાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીની મોટાભાગની કૉલેજોમાં છોકરીઓ માટે એવા સમયમાં 1896થી 1903 દરમિયાન સાબુદાણાની ખીર ત્યાંનાં વિદ્યાર્થીઓમાં સૌથી લોકપ્રિય નાસ્તો હતો.
વર્ષ 2020માં કસાવામાં મિલિબગ રોગ લાગુ પડી ગયો હતો અને 80 ટકા પાક સાફ થઈ ગયો હતો, ખેડૂતો વૈકલ્પિક પાકો તરફ વળવાનું વિચારી રહ્યા હતા, ત્યારે આફ્રિકા ખંડના રિપબ્લિક ઑફ બેનિન નામના નાનકડા દેશમાંથી ચોક્કસ પ્રકારની જીવાત મંગાવવામાં આવી હતી, જેથી કરીને તે ઉપદ્રવી જીવોનો નાશ કરી શકે.
ભારતમાં જોવા મળતી ખાદ્યસામગ્રી અંગે કેટી આચાર્યે ‘અ હિસ્ટૉરિકલ ડિક્ષનરી ઑફ ઇન્ડિયન ફૂડ’ નામથી પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ ઈ.સ. 1025ના કન્નડ સાહિત્યને ટાંકતા ‘મોતીનાં દાણાં જેવી સામગ્રી ધરાવતી’ મીઠાઈએ ‘સાગો પાયેસમ’ કે સાબુદાણાની ખીર હોવાની સંભાવના વ્યક્ત કરે છે.
જો એ સમયે પણ સમાજમાં સાબુદાણાનું અસ્તિત્વ હોય તો પણ અર્વાચીન સમયમાં તેને લોકો સુધી પહોંચાડવાનો અને તેના થકી હજારો લાખો પ્રજાજનોના જીવ બચાવવાનો શ્રેય ત્રાણવકોરના રાજવીઓને જ આપવામાં આવે છે.