- વિરોધની વચ્ચે ફવાદ ખાનની ફિલ્મ ‘ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ’ 30 ડિસેમ્બરે રિલીઝ થશે
ફવાદ ખાન તથા માહિરા ખાનના ભારતીયો ચાહકો માટે આનંદના સમાચાર છે. પાકિસ્તાનની હિટ જોડીની ફિલ્મ ‘ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ’ હવે ભારતમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ભારતમાં 30 ડિસેમ્બરે રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ 23 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. ‘ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ’ ભારતમાં રિલીઝ થશે તેની માહિતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને મળી ત્યારે તેમને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પાકિસ્તાની ફિલ્મને દેશમાં રિલીઝ કરવા દેવામાં આવશે નહીં. હવે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
‘ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ’ 13 ઓક્ટોબરે પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી અને ત્યારબાદ વિશ્વભરમાં આ ફિલ્મ ચાહકોને પસંદ આવી હતી. આ ફિલ્મે ઇંગ્લેન્ડમાં એસએસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ને કમાણીમાં પછાડી હતી. ફવાદ ખાનની આ ફિલ્મે વર્લ્ડવાઇડ 200 કરોડનો બિઝનેસ કર્યો છે. આ જ કારણે મેકર્સે ફિલ્મને ભારતમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું.
માત્ર દિલ્હી-NCR તથા પંજાબમાં રિલીઝ થશે
ભારતમાં આ ફિલ્મ ઝી સ્ટૂડિયો રિલીઝ કરશે. હાલમાં આ ફિલ્મ દિલ્હી-NCR તથા પંજાબમાં જ રિલીઝ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મ પંજાબી ફિલ્મ છે. આ જ કારણે નોર્થ ઇન્ડિયામાં આ ફિલ્મ ચાલે તેમ માનવામાં આવે છે.
મનસેએ ધમકી આપી હતી
પાકિસ્તાની ફિલ્મ ‘લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ’ ભારતમાં રિલીઝ થવાની વાતથી રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અમેય ખોપકરે કહ્યું હતું કે તે કોઈ પણ કિંમતે આ ફિલ્મને ભારતમાં રિલીઝ થવા દેશે નહીં. જેને પણ આ ફિલ્મ કે લીડ એક્ટર ફવાદ ખાન પ્રત્યે હમદર્દી છે તે પાકિસ્તાન જાય.