Published by : Rana Kajal
ભારત-ચીન તણાવ વચ્ચે ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC નજીક ભારત અને અમેરિકા મિલિટરી ડ્રિલ કરશે. આ વર્ષના અંત સુધીમાં ભારત એકસાથે 3 મોટા યુદ્ધાભ્યાસ કરવા જઈ રહ્યું છે તેમ જાણવા મળી રહ્યું છે. તમામ મિલિટરી એક્સર્સાઇઝ 8 નવેમ્બરથી શરૂ થશે. 11 ડિસેમ્બર સુધી ચાલનારા આ સૈન્ય અભ્યાસમાં ભારત પોતાની સૈન્યશક્તિ રજૂ કરશે. ભારત અને અમેરિકા 15 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી LAC પાસે યુદ્ધાભ્યાસ કરશે. આ કવાયત ઉત્તરાખંડના ઓલીમાં થશે. આ વિસ્તાર LACથી 100 કિલોમીટર દૂર છે. એક અધિકારીએ કહ્યું હતુ કે યુદ્ધાભ્યાસમાં બંને દેશના લગભગ 350-350 સૈનિકો ભાગ લેશે. પર્વતો અને અત્યંત ઠંડા વિસ્તારોમાં ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સનું પરીક્ષણ કરવામાં આવશે. એક વર્ષ આ કવાયત ભારતમાં થાય છે અને એક વર્ષ અમેરિકામાં કરવામાં આવે છે. ગયા વર્ષે આ કવાયત અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવી હતી. ઉત્તરાખંડને અડીને આવેલી ચીન સરહદ ભારતીય સેનાના સેન્ટ્રલ સેક્ટરનો એક ભાગ છે. આ વિસ્તાર ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદિત છે. બે વર્ષ પહેલા ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ આ ક્ષેત્રમાં ચીની સૈન્ય ગતિવિધિઓ વધી છે. આ જ કારણ છે કે ભારત અને અમેરિકા વચ્ચે સૈન્ય અભ્યાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ભારત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર (ઈન્ડો-પેસિફિક)માં QUAD દેશો સાથે મલબાર નેવલ કવાયત કરશે. આ કવાયત 8 થી 18 નવેમ્બર દરમિયાન જાપાનના યોકુસાકામાં યોજાશે. આ માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના યુદ્ધ જહાજો, સબમરીન, ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ જોડાશે. મલબાર કવાયતમાં, ભારત મલ્ટી-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ INS શિવાલિક, એન્ટી-સબમરીન કોર્વેટ INS કામોર્ટા અને P-8I લોન્ગ-રેન્જ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ સાથે ડ્રિલ કરશે. જયારે ભારત ધીમે ધીમે ઓસ્ટ્રેલિયા સાથે સંરક્ષણ સંબંધોને મજબૂત કરી રહ્યુ છે. બંને દેશોની સેના 28 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી પ્રથમ ‘ઓસ્ટ્રા-હિન્દ’ ઇન્ફેન્ટ્રી કોમ્બેટ કવાયત કરશે. સેનાના એક અધિકારીએ કહ્યું- આનાથી સેમી-ડેઝર્ટ ટેરેનમાં બંને દેશો સાથે કામ કરવાની ક્ષમતામાં વધારો થશે એમ જાણવા મળી રહ્યું છે