Published By : Parul Patel
ભારે વરસાદ, પુર અને અન્ય કુદરતી આફતો વચ્ચે ઘેરાયેલા ખેડુતને સરકાર સહાય કરે તો પણ અન્ય દેશો વાંધો ઉઠાવે છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેડુતોને પણ આર્થિક રીતે સાચવવા દેશની ફરજ છે તેમ છતાં અન્ય દેશો આ બાબતે વાંધો ઉઠાવી રહ્યાં છે.
ભારતની મહત્તમ વસ્તી ખેતી આધારિત છે. વળી જોવામાં આવે તો સ્થિતિ પણ કંઈક તે પ્રકારે બદલાઈ છે કે, મોસમ કમોસમી થઇ ચુક્યો છે. તેથી ખાસ તો કમોસમી વરસાદ ખેડૂતો અને ખેતીની સ્થિતિ બગાડે છે. આથી ખેડૂતો જે પકારે મહેનત કરે છે તે પ્રમાણમાં તેમને વળતર મળતું નથી.સરકાર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ વચેટિયાઓનો ઉપદ્રવ આજે પણ એટલો જ છે. ત્યારે ભારતમાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) આપવાનો મુદ્દો ખૂબ જ ગંભીર છે. દેશના તમામ પક્ષો આના પર રાજનીતિ કરે છે કારણ કે આ મુદ્દો સીધો ખેડૂતો સાથે જોડાયેલો છે.
તે સાથે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના સભ્ય દેશો ભારત પર MSPના કારણે અન્ય દેશોની ખાદ્ય સુરક્ષાને પ્રભાવિત કરવાનો આરોપ લગાવે છે. તેમને દેશમાં જરૂરિયાતમંદોને અપાતી સબસિડીની પણ સમસ્યા છે. આ અંગે વધુ વિગતે જોતા WTOની ઘણી બેઠકોમાં અમેરિકા અને યુરોપિયન દેશો દલીલ કરે છે કે સબસિડીના કારણે ભારતના ખેડૂતો વધુ અનાજનું ઉત્પાદન કરે છે, તો આ અનાજ વિશ્વના બજારોમાં સસ્તા ભાવે નિકાસ કરવામાં આવે છે. અન્ય દેશોના ખેડૂતો પર તેની વિપરીત અસર પડે છે. ભારત જેવા દેશમાં 80% નાના ખેડૂતો છે. એમએસપી તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. MSP હેઠળ જ દેશમાં પબ્લિક સ્ટોરેજની પબ્લિક સ્ટોક હોલ્ડિંગ પ્રોગ્રામ સ્કીમ (PSH) ચલાવવામાં આવે છે, જેના દ્વારા ગરીબોને મફત અથવા ખૂબ સસ્તું અનાજ મળે છે. આનાથી માત્ર ખાદ્યાન્નના ભાવમાં થતા અસાધારણ વધારાને રોકે છે, પરંતુ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળે છે. જોકે WTOના કૃષિ પરના કરાર (AOA) અનુસાર, ભારત જેવા વિકાસશીલ દેશો પાકના ઉત્પાદન ખર્ચ પર મહત્તમ 10 ટકા સબસિડી આપી શકે છે. આ સબસિડીની ગણતરી પણ વર્ષ 1986-88ના ભાવ પ્રમાણે કરવામાં આવે છે.
માપદંડોના આધારે, વિકસિત દેશો ભારતમાં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી પર વારંવાર સવાલ ઉઠાવે છે. જૂન 2022 માં જીનીવામાં WTOની બેઠકમાં, યુએસ અને યુરોપિયન દેશોએ ભારતીય ખેડૂતોને આપવામાં આવતી કૃષિ સબસિડી સામે વિરોધ કર્યો હતો.