Published by : Rana Kajal
વર્ષની શરુઆતથી જ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝની શરુઆત થઈ છે.જ્યારે પ્રથમ ટી20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં 2 રોમાંચક જીત મેળવીને ભારતની ટીમ 1-0થી સીરીઝમાં લીડ મેળવી હતી. બીજી ટી20 મેચ પૂણેમાં રમાઈ રહી છે. જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રાજકોટમાં રમાશે.
આગામી 7 જાન્યુઆરીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 સિરિઝની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. આજે બંને ટીમો રાજકોટ આવી પહોંચશે. બંને ટીમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા રાજકોટની સયાજી હોટેલમાં રોકાવાની છે, જ્યારે શ્રીલંકાની ટીમ ફોર્ચ્યુંન હોટેલમાં રોકાશે. સયાજી હોટેલમાં ટીમ ઈન્ડિયા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અહીં કાઠિયાવાડી ગરબાથી ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવશે. હોટેલમાં ટીમના સ્વાગત માટે ખેલાડીઓના પોસ્ટર્સ પણ લગાવાયા છે.ભારતીય ટીમને ભોજનમાં ખાસ કાઠિયાવાડી મેનુ રાખવામાં આવ્યું છે. જેમાં અડદિયા, લાઈવ મૈસૂર, રિંગણનો ઓળો, રોટલો, દહીં તિખારી જેવી વાનગીઓ પીરસવામાં આવશે. મહત્વનું છે કે ટી-20 મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે. ખંઢેરી સ્ટેડિયમ 30 હજારથી વધારે પ્રેક્ષકોથી હાઉસફૂલ રહેશે.