- વિદેશમંત્રી એસ જયશંકર તથા રાજદુતો આજે વડોદરાના જગ-વિખ્યાત યુનાઇટેડ વે ગરબા નિહાળશે..
વડોદરામાં નવરાત્રિ મહોત્સવની આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે ભારત સરકારના વિદેશમંત્રી એસ.જયશંકર તથા ૬૦ દેશોના એમ્બેસેડર્સ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓને વડોદરા એરપોર્ટ પર સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા ના મેયર કેયુર રોકડિયાએ આવકાર્યા હતા. તો હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો હોવાથી વિદેશી મંત્રીની સાથે આવેલા રાજદૂતોનું ગરબાની રમઝટ બોલાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના દેશના ફ્લેગ લહેરાવી વિવિધ દેશોમાંથી આવેલા રાજદૂતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત ટીમ ભાજપ વડોદરા મહાનગરે ઢોલ ત્રાસાના નાદ સાથે મહાનુભાવોને આવકાર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ મહાનુભવોના સ્વાગતમાં જોડાયા હતા. વડોદરાની એમ એસ યુનીવર્સીટીના વિદેશી વિધાર્થીઓએ પણ મહેમાનોને આવકાર્યા હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરએ જણાવ્યું હતું કે આજે ખાનગી હોટલમાં દિવસ દરમિયાન રોકાણ કરશે. તેમજ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ રાત્રીના સમયે વડોદરાના જગ-વિખ્યાત યુનાઇટેડ વે ગરબા નિહાળવા રાજદૂતો સાથે પહોંચશે. તો આવતીકાલે કેવડિયા તેઓ રાજદૂતો સાથે કેવડિયા પહોંચશે. અને કેવડિયા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)