Published by : Anu Shukla
- સઉદી અરબના નાણા પ્રધાનનું નિવેદન ભારત માટે મહત્ત્વપૂર્ણ
- ભારતે આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરને બદલે રૃપિયામાં કરવા માટે એક મિકેનિઝમની રચના કરી છે
ભારતનું એક મહત્ત્વપૂર્ણ આર્થિક ભાગીદાર દેશ સઉદી અરબે વેપાર સમજૂતી અંગે એક મોટો નિર્ણય લીધો છે. સઉદી અરબના નાણા પ્રધાન મોહંમદ અલ ઝાદાએ જણાવ્યું છે કે સઉદી અરબ અમેરિકન ડોલર ઉપરાંત અન્ય ચલણોમાં પણ વેપાર કરવા વાતચીત માટે તૈયાર છે.
સઉદી અરબનું આ નિવેદન એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણકે બંને દેશોએ તાજેતરમાં જ આર્થિક સંબધોને મજબૂત બનાવવા માટે રૃપિયા-રિયાલમાં વેપાર શરૃ કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત અન્ય એક ખાડીના દેશ યુએઇની સાથે પણ ભારતે ફેબુ્રઆરી, ૨૦૨૨માં દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબધોને મજબૂત બનાવવા માટે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા હતાં.
સઉદી અરબના નાણા પ્રધાને જણાવ્યું હતું કે અમે અમારો વેપાર ક્યા ચલણમાં કરવા માગીએ છીએ તે મુદ્દે વાતચીત કરવામાં અમને કોઇ વાંધો નથી.પછી ભલે તે અમેરિકન ડોલરમાં હોય, યુરોમાં હોય અથવા સઉદી રિયાલમાં.
ભારત એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. વૈશ્વિક વેપારને વેગ આપવા અને વેપારી ઉદ્દેશથી ભારતે આંતરરાષ્ટ્રીય વેપાર લેવડદેવડમાં રૃપિયા ચલણના એક મિકેનિઝમની રચના કરી છે.
સઉદી અરબ સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર અમેરિકા, ચીન અને યુએઇ પછી સઉદી અરબ ભારતનો ચોથો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારત કુલ આયાત થતા ઓઇલનો ૧૮ ટકા સઉદી અરબ પાસેથી ખરીદે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ ૪૨.૮ અબજ અમેરિકન ડોલર હતો.
આ સમય દરમિયાન ભારતે સઉદી અરબ પાસેથી ૩૪.૦૧ અબજ ડોલરની આયાત કરી હતી. જ્યારે ભારતે સઉદી અરબમાં ૯ અબજ ડોલરની નિકાસ કરી હતી. ભારતે ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકા વધારે નિકાસ કરી હતી.