
મહેસુલ મંત્રી તેમજ માર્ગ અને મકાન મંત્રી પાસેથી રાજીનામાં લેવાયા ?
મહેસુલ મંત્રી અને કડક છાપ ધરાવતા રાજેન્દ્ર ત્રિવેદીને હટાવી મહેસુલ વિભાગ હર્ષ સંઘવીને સોંપાયું
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીને હટાવી જગદીશ પંચાલ ને હવાલો અપાયો
ગુજરાતની રાજનીતિમાં વધુ એક ઝાટકો જોવા મળ્યો છે. થોડા મહિનાઓ અગાઉ આખે આખા મંત્રી મંડળને બદલી નખાયા બાદ હવે વધુ બે મંત્રીઓને હટાવી તેઓના ખાતા અન્ય મંત્રીઓને સોંપાયા છે. કડક છાપ ધરાવતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ મંત્રાલય છીનવી લઇ હર્ષ સંઘવીને અપાયું છે તો માર્ગ અને મકાન વિભાગ પૂર્ણેશ મોદી પાસેથી લઇ જગદીશ પંચાલને સોંપાયું છે. આ ફેરફાર પાછળ ભ્રષ્ટાચારની ફરિયાદ દિલ્લી સુધી ગઈ હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

રાજેન્દ્ર ત્રિવેદીની પડતી… હર્ષ સંઘવીને પુરસ્કાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી હાલની ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના સૌથી સિનિયર મોસ્ટ મંત્રી ગણાય છે. આમેય શપથવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ જ બીજા ક્રમે શપથ લીધા હતા. તેમાં પણ રાજેન્દ્ર ત્રિવેદી કડક છાપ ઉભી કરવા રાજ્યમાં ગમે તે સ્થળે સબ-રજિસ્ટ્રાર કચેરી અથવા તો મહેસુલ કચેરીઓમાં દરોડા પાડીને રજિસ્ટર ચેક કરતા હતા. આ દરેક વખતે ત્રિવેદી મીડિયાને સાથે રાખતા હતા. અને પોતે કઈ પણ ચલાવી નહિ લે તેવો કોલ આપતા હતા. જો કે હવે અચાનક તેઓ પાસેથી રાજીનામુ માંગી લેવામાં આવ્યું છે. અને તેઓનું .વિભાગ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીને તો જાણે લોટરી જ લાગી ગઈ તેમ છે.
માર્ગ અને મકાન મંત્રી ખુદ ઉબડખાબડ માર્ગમાં અટવાયા
તો માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીને પણ મંત્રીપદેથી હટાવવામાં આવ્યા છે તેઓના સ્થાને ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલને હવાલો આપવામાં આવ્યો છે. પૂર્ણેશ મોદીએ મંત્રી બન્યા બાદ લોકો માટે એપ્લિકેશન પણ શરુ કરી હતી અને જ્યાં ખાડા દેખાય તેના ફોટા પાડી મોકલી આપવા જણાવ્યું હતું અને લોકોની સમસ્યા થોડા જ સમયમાં ઉકેલવાનો કોલ આપ્યો હતો પરંતુ હવે તેઓ પોતે જ ખાડામાં પડી ગયા છે. આ બને મંત્રીઓને હટાવવા પાછળ ભ્રષ્ટાચારની ફરિયાદ દિલ્લી સુધી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.