ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારને 10 સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. બીજી બાજુ વિધાનસભાના બજેટ સત્રના પણ 6 મહિના પૂર્ણ થયા હોવાથી સપ્ટેમ્બરની 11 અને 12 તારીખે ટુંકુ સત્ર બોલાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આ સત્ર પટેલ સરકારના છેલ્લા સત્રની સાથે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો માટે પણ વિધાનસભા ગૃહની બેઠક અંતિમ બેઠક રહેશે. કેમ કે, ડિસમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હોવાથી જાન્યુઆરી સુધીમાં નવી 15મી વિધાનસભાનું ગઠન થઈ જશે. આ અંગેનો નિર્ણય ટુંક સમયમાં કેબિનેટની બેઠકમાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે.ખાસ કરીને સરકારના એક વર્ષની કામગીરીનું સરવૈયું પણ આ સત્રમાં રજુ કરવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભામાં હાલ 178 ધારાસભ્યો છે. જેઓનું પણ આ અંતિમ સત્ર રહેશે.
5 વર્ષ દરમ્યાન 67.47% રકમ વપરાઈ
રાજ્યના વર્તમાન ધારાસભ્યોએ છેલ્લા 5 વર્ષ દરમ્યાન MLA લોકલ એરીયા ડેવેલોપમેંટ ફંડમાંથી 1004.15 કરોડ રુપિયા મંજુર કરવામાં આવ્યા અને તેમાંથી 677.5 કરોડ રુપિયાનો ખર્ચ થયો. જેની ટકાવારી 67.47% છે. કુલ મંજુર થયેલા 53029 કામોમાંથી 40428 (76%) કામો પુરા થઇ શક્યા છે. જ્યારે કુલ બજેટ માંથી 600 કરોડ રૂપિયા વણવપરાયેલ રહ્યા છે. આદીવાસી વિસ્તારના મતક્ષેત્રો જોતાં કુલ 252 કરોડ રુપિયાનું MLA LAD ફંડ હતું. જેમાંથી 230.37 કરોડ રૂપિયાન કામો મંજુર કરવામાં આવ્યા અને 177 કરોડ રૂપિયાના કામો થયા. આ ભંડોળમાંથી 75 કરોડ જેટલી રકમ વણવપરાયેલ રહી છે.
ગૃહની કામગીરી માત્ર 28 ટકા જ ચાલી
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર વિધાનસભામાં વિપક્ષના જે સવાલોનો મૌખિક જવાબ આપવાનો હોય છે તેવા તારાંકિત પ્રશ્નોના જવાબ મામલે મૌન રહી છે.વર્ષ 2017થી 2022ના પાંચ વર્ષના વિવિધ સત્રોમાં ગુજરાતની પ્રજાના પ્રતિનિધિઓએ સરકાર અને મંત્રી સમક્ષ 38,121 પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી માત્ર બે ટકા કે 600 પ્રશ્નોના જ જવાબ આપવામાં આવ્યા હતાં. બીજી તરફ રાજસ્થાન કરતાં ગુજરાત વિધાનસભાની કામગીરીની ટકાવારી પણ ઓછી નોંધાઈ છે.