Published By : Parul Patel
અજય દેવગણ ની ફિલ્મ ભોલા દર્શકોને પસંદ પડી રહી છે. ભોલા ફિલ્મ સાઉથની સફળ ફિલ્મની રીમેક હોવાથી એક નિર્માતા તરીકે અજયે રાઇટ્સ માટે પ્રોફીટ શેરની ડીલ કરી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/feature-1-1024x636.jpg)
અજય દેવગણની ફિલ્મ ‘ભોલા’ 30 માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, અને દૃશ્યમની જેમ આ ફિલ્મ પણ હિટ જવાની શક્યતા છે. 2019ના વર્ષમાં રિલીઝ થયેલી લોકેશ કાંગરાજની તમિલ ફિલ્મ કૈથીની રીમેક તરીકે ભોલા બની છે. અજય દેવગણે તમિલ ફિલ્મના રાઈટ્સ મેળવીને ભોલા બનાવી છે. સામાન્ય રીતે રીમેકના રાઈટ્સ માટે ઉચ્ચક રકમ આપી દેવાય છે, જ્યારે આ કિસ્સામાં અજય દેવગણે પ્રોફિટ શેરિંગની ડીલ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હિન્દી ફિલ્મ પ્રોડ્યૂસર્સને ઉચ્ચક રકમ આપવાનું વધારે ગમે છે. અગાઉ શેહઝાદા, જર્સી અને ગઝની જેવી ફિલ્મોની રીમેક માટે સાઉથના પ્રોડ્યુસર્સને નિયત રકમ ચૂકવી દેવાઈ હતી. જ્યારે ભોલાના કિસ્સામાં કૈથીના પ્રોડ્યુસર એસ.આર. પ્રકાશબાબુ અને એસ.આર. પ્રભુને નિશ્ચિત રકમના બદલે નફામાં ભાગીદારી અપાઈ છે. આ બંને પ્રોડ્યુસર્સને ભોલાના પ્રોફિટમાંથી 5% હિસ્સો આપવાનું નક્કી થયું છે. આ હિસ્સેદારીમાં થિયેટર આવક ઉપરાંત, મ્યૂઝિક સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્સમાંથી થયેલી આવકનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, ભોલાની શરૂઆતમાં કૈથી બનાવનારા પ્રોડક્શન હાઉસનો લોગો અને પ્રોડ્યુસર્સના નામ પણ ઉમેરવામાં આવ્યા છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/bhola2-1-1024x642.jpg)
સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં પ્રોફિટ શેરિંગની ફોર્મ્યુલા નથી હોતી. સાઉથના મેકર્સની વધતી ડીમાન્ડના પગલે બોલિવૂડે નવી વ્યવસ્થાનો અમલ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભોલામાં અજય દેવગણની સાથે તબુ, અમલા પૌલ, દીપક ડોબરિયાલ, વિનિત કુમાર અને ગજરાજ રાવનો સમાવેશ થાય છે. ભોલામાં એવા વ્યક્તિની સ્ટોરી છે, જે 10 વર્ષ બાદ જેલમાંથી છૂટે છે. તે પોતાની દીકરીને મળવા ઉત્સુક છે, પરંતુ પોલીસ અધિકારી એક જોખમી મિશનમાં તેની મદદ માગે છે. નવી અને સરળ શરૂઆત કરવા માગતા ભોલાના જીવનમાં ત્યારબાદ આશ્ચર્યજનક વળાંકો આવે છે.