- હવે મંગળ યાનમાં ઇંધણ બચ્યુ નથી : ઈસરો સૂત્રો
- મંગળયાને એક હજારથી વધુ તસ્વીરો મોકલી હતી
૫મી નવેમ્બર, 2013ના રોજ પીએસએલવી-સી25ની મદદથી માર્સ ઓર્બિટર મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને બનાવામાં આશરે સાડા ચારસો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 24 સપ્ટેમ્બર, 2014ના રોજ ઈસરોના વિજ્ઞાનીઓએ પ્રથમ પ્રયાસમાં જ આ અંતરિક્ષ યાનને સફળતાપૂર્વક મંગળની કક્ષામાં સ્થાપિત કરી દીધું હતું.
દેશના આ પ્રથમ મંગળ મિશને આખરે અલવિદા કહી દીધું છે. આ મિશને આશરે ૮ વર્ષની સફર પૂર્ણ કરી દીધી છે. ઈસરોના સૂત્રોના જણાવ્યાનુસાર, હવે મંગળ યાનમાં ઇંધણ નથી બચ્યું. તેની બેટરી પણ ખતમ થઈ ગઈ છે, જેથી તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.
જોકે, આ અંગે ઈસરો દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા ઈસરો એક આગામી ગ્રહણથી બચવા માટે મંગળ યાનને નવી ધરીમાં લઈ જવા પ્રયત્ન કરતું હતું. અન્ય એક અધિકારીએ કહ્યું કે, આ ઉપગ્રહની બેટરી ફક્ત એક કલાક અને 40 મિનિટના હિસાબે ડિઝાઈન તૈયાર કરાઈ હતી. એટલે એક લાંબા ગ્રહણના કારણે તેની બેટરી પૂરી થઈ ગઈ.