- જાતે બ્લોક બનાવીને તેનો ઉપયોગ બાંધકામમાં કર્યોં…
- શ્રમજીવી પરિવાર જાતે ઇજનેર બન્યો…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુરમાં બાંધકામનો ખર્ચ ઘટાડવા ઍક શ્રમજીવી કુટુંબ જાતે બ્લોક બનાવીને તેનો ઉપયોગ બાંધકામમાં કરે છે
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામનો આદિવાસી પરિવારે પોતાની આવડતથી મકાન બનાવવાનો ખર્ચ ઘટાડી નાંખ્યો છે. મકાન બનાવવા વપરાતી ઇંટો મોંઘી હોવાથી તેમણે સિમેન્ટના બ્લોકનો ઉપયોગ કરવાનું નકકી કર્યું હતું અને આ બ્લોક પણ વેચાતા લેવાના બદલે તેનું જાતે જ ઉત્પાદન શરૂ કરી દીધું છે. જાતે જ ઈજનેર અને જાતે જ મજૂર બની પરિવાર સભ્યો હાલ ઘર માટે અંદાજીત 1,700 થી વધુ બ્લોક પોતાના ઘરના વાડામાં બનાવી રહ્યા છે. તેઓ રોજના 200 થી 250 બ્લોકનું ઉત્પાદન શરુ કર્યું કરી દીધું છે. આ શ્રમ જીવી પરિવારે અન્ય લોકો માટે નવી રાહ ચીંધી છે. વસાવા પરિવાર કમાલની ટેક્નિક અપનાવી ઓછા ખર્ચમાં પાકું મકાન બનાવી રહયો છે. મજુરી કામે જતી વેળા શીખેલા કૌશલ્યનો ઉપયોગ કરી વસાવા પરિવારે જાતે જ બ્લોક બનાવવાનું શરૂ કરી દીધું છે.વધતી જતી મોંઘવારીના કારણે ઇંટોના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે હવે મોટાભાગના બાંધકામોમાં સિમેન્ટના બ્લોકનો ઉપયોગ થઇ રહયો છે. સિમેન્ટના બ્લોકની માગમાં વધારો થવાના કારણે તેના પણ ભાવ વધ્યા છે. આવા સંજોગોમાં આ પરિવારે નવો કિમિયો અજમાવ્યો છે. સાથે જ તેઓ ગામમાંથી પસાર થતી અમરાવતી નદીના કિનારેથી રેતી લાવે છે અને બજારમાં સિમેન્ટ વેચાતી લાવી તેના બ્લોક બનાવી રહયા છે. હાલ તો ગામ લોકો પણ આ ટેકનીકથી તેમના કાચા મકાનોને પાકા મકાનોમાં પરિવર્તિત કરવાનું વિચારી રહયા હોવાનું જાણવા મળી રહયું છે. તેમની આ ટેકનીકને લોકો વખાણી પણ રહયા છે.
આ બાબતે કોન્ટ્રાક્ટર ચંદ્રેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે સામાન્ય રીતે 300 સ્કવેરફુટમાં બે રૂમ ઉભા કરવા પાછળ અંદાજે 2.50 લાખથી 2.60 લાખ થઇ શકે છે. સેંગપુરમાં બની રહેલાં ઘરમાં સ્ટીલ અને સિમેન્ટનો વપરાશ ઓછો થવાથી મકાન હવે અંદાજે 1.50 લાખ રૂપિયામા જ તૈયાર થઇ શકે છે. હાલમાં બજારમાં બ્લોકની કિંમત 23 થી 25 રૂપિયા છે. જાતે બનાવવામાં આવતા આ બ્લોકનો ખર્ચ ધટીને સીધો જ 10 રૂપિયા થઇ ગયો છે. ઘર બનાવવા માટે અંદાજિત 1,700 બ્લોકનો ખર્ચ બજાર પ્રમાણે 40,000 રૂપિયાનો થાય છે.જે સામે જાતે બનાવેલા બ્લોકની કિંમત 17000 રૂપિયા થાય છે.