- કાકા ભત્રીજા નો ભરત મિલાપ..
વરાછા વિધાનસભા બેઠક પર રાજ્યભરની નજર મંડાયેલી છે. ત્યારે આજે વરાછા બેઠકના આપ અને ભાજપના ઉમેદવાર મતદાન મથક પર ભેગા થઈ ગયા હતાં. સભાઓમાં એકબીજાની પર લાંછન લગાવનારા બન્ને ઉમેદવારો ભેગા થયા તો ભરત મિલાપ જેવા દ્રશ્યો સર્જાયા હતાં.અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના આશિર્વાદ લીધા હતાં. બાદમાં બન્ને ગળે મળીને ભેટી ગયાં હતાં.
- મેયર સાયકલ લઈને પહોંચ્યા
સુરતના મેયર હેમાલી બોઘાવાલા આજે સાયકલ લઈને મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. એકલા જ મતદાન કરવા નીકળેલા હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવું ઓછું કરવું એ આપણી ફરજ છે. તેમ મતદાન કરીને પણ લોકશાહીને મજબૂત કરવી દરેકની ફરજ છે. જેથી મેં સાયકલ પર નીકળીને અનોખો સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. દરેક નર નારી મતદાન કરે એ સંદેશ સાથે મેં સાયકલ સવારી કરી છે.
- મોંઘવારીના વિરોધ સાથે મતદાન
સુરતની ઉત્તર બેઠક પર એક મતદારે મોંઘવારીનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગેસનો બાટલો ખભે લગાવીને મતદાર મતદાન કરવા માટે પહોંચ્યો હતો. ગેસની વધી ગયેલી કિંમતોનો પ્રતિકાત્મક રીતે વિરોધ કરતાં મતદારે મતદાન કરીને મોંઘવારીનો વિરોધ કરતો હોય તે રીતે મતદાન કરવા પહોંચ્યો હતો.
- બે ધારાસભ્યોએ એકસાથે મતદાન કર્યુ
ગુજરાતની બે વિધાનસભાના ઉમેદવારો એક જ મતદાન મથક ઉપર મતદાન કરતા હોય તેવો આ એક માત્ર બુથ છે. સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 93 માં પટેલ નગર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર વિધાનસભાના ઉમેદવાર કાંતિ બલર અને ભારતીય જનતા પાર્ટીના જ વરાછા બેઠકનો ઉમેદવાર કુમાર કાનાણી મતદાન કરે છે.
- કિન્નરોએ વોટિંગ કર્યું
બારડોલીમાં મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે. ત્યારે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મઢી ગામની એક યુવતીનો આજે જન્મદિવસ પણ હોઈ અને તેણે પ્રથમ વખત મતદાન કર્યું હતું. તો બીજી તરફ બારડોલી નગરમાં રહેતા કિન્નર સમાજના 25 જેટલા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.