Published By : Patel Shital
- માત્ર 8 વૃક્ષ બાકી…
- મધ્ય પ્રદેશ સરકાર કઈ કરશે ખરી…?
મધ્ય પ્રદેશની લોકપ્રિય કેરી નુર જંહા લુપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે મધ્ય પ્રદેશ સરકાર યોગ્ય પગલા લે તેવી લોકમાંગ ઉભી થઈ છે. મધ્યપ્રદેશની લોકપ્રિય અને ૩.૫ કિલોની આસપાસ વજન ધરાવતી નૂર જહાં કેરી ધીમે ધીમે પોતાની ચમક ગુમાવી રહી છે.

હવે તો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં આ કેરીના ફક્ત 8 વૃક્ષ બાકી રહી ગયા છે. અલીરાજપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. આર. કે. યાદવે જણાવ્યું કે કઠ્ઠીવાડાના ખાનગી બગીચાઓમાં નૂર જહાં કેરીના ફક્ત 8 વૃક્ષ બાકી રહી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ચિંતાનો વિષય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક દાયકા પહેલા નૂર જહાંનું મહત્તમ વજન ૪.૫ થી ૫ કિલો સુધી રહેતું હતું જે હવે ઘટીને ૩.૫ કિલોની આસપાસ રહી ગયું છે. ડો. યાદવે વધુમાં જણાવ્યું હતું કે અમે આવનારી પેઢીઓ માટે નૂર જહાં કેરીને બચાવવા માંગીએ છીએ. અમે પ્રોપેગેશન પદ્ધતિથી 2 વૃક્ષ રોપ્યા છે અને અમને આશા છે કે આગામી 3-4 વર્ષમાં આ વૃક્ષો ફળ આપતા થઇ જશે. ત્યારબાદ અમે આ પદ્ધતિથી વધુ વૃક્ષો વાવીશું. નૂર જહાં કેરીની ખાસિયત જોતા નૂર જહાંનું વજન સામાન્ય કેરી કરતાં વધારે હોય છે પણ તેનો સ્વાદ અન્ય કેરી જેટલો સ્વાદિષ્ટ હોતો નથી. અમે સંશોધન દ્વારા તેનો સ્વાદ પણ વધારવા માંગીએ છીએ. આ કેરીનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં ઉપયોગ પણ ખૂબ ફાયદાકારક પુરવાર થાય તેમ છે.
ડો. યાદવના જણાવ્યાં અનુસાર કઠ્ઠીવાડાનું હવામાન અને જમીન નૂર જહાં કેરીની ખેતી માટે ખૂબ જ યોગ્ય છે. આ વિસ્તારમાં ઉત્પન્ન થતી અન્ય પ્રજાતિઓની કેરીનું વજન પણ દેશના અન્ય ભાગોની સરખામણીમાં વધારે હોય છે.