Published By : Disha PJB
આજે આપણી આજુબાજુ અનેક ચીજવસ્તુઓ ભેળસેળ વાળી હોય છે. એમાંય ખાસ કરીને ખાદ્યસામગ્રી. હવે તો કોઈને રોજબરોજ જમવાના ઉપયોગમાં આવતી ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળ અંગેની વાત કરીએ તો પણ કોઈને નવાઈ નથી લાગતી.
આવી જ એક ખાદ્યસામગ્રી છે મધ. મધમાં રહેલા ગ્લુકોઝ અને એકલશર્કરા ફ્રકટોઝને કારણે તે ખાવામાં મીઠું અને રુચિકર લાગે છે. મધનો ઉપયોગ ખાવા ઉપરાંત ઔષધીના રૂપમાં પણ બેજોડ છે. તેમાં રહેલા ગ્લુકોઝ, શર્કરા, વિટામીન, ખનીજ જેવા અનેક પૌષ્ટિક તત્વો શરીર માટે અતિ ઉપયોગી છે.
મધ અસલી છે કે નકલી તે ચકાસવા માટેની રીત :
પાણીમાં મધ નાખવું. જો મધ તળિયા સુધી પહોંચી જાય અને તળિયે પડ્યું રહે તો મધ અસલી છે. અને જો મધને પાણીમાં ઓગાળવાની ટ્રાય કરો અને તે પાણીમાં ઓગળવા લાગે તો મધ નકલી છે.
સહેજ મધને સફેદ કપડામાં ઢોળી દો. થોડીક વાર એમ જ રહેવા દો. પછી કપડું ધોઈ નાખો. જો કપડાંમાં ચીકાશ કે નિશાન જેવું ન લાગે તો મધ અસલી છે અને ચીકાશ અને ડાઘ જેવું રહી જાય તો મધ નકલી છે.
એક સ્વચ્છ લાકડી લો. એ લાકડીને મધમાં બોળી દો અને લાકડી સળગાવો. જો આગ પર મધ પણ સળગવા લાગે તો તે મધ અસલી છે અને જો ન સળગે તો મધ નકલી છે.
હવે જ્યારે તમે બજારમાંથી મધ ખરીદો તો એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે મધ સ્ટાન્ડર્ડ કંપનીનું અને ISI / એગમાર્કનું નિશાન હોય. ખુલ્લું મધ બને ત્યાં સુધી ન ખરીદવું તેમ છતાં જો મધની ક્વોલિટી બાબતે શંકા પડે તો ઉપર જણાવ્યા મુજબની રીત અપનાવી તે અસલી છે કે નકલી તે આસાનીથી જાણી શકશો.