Published By : Disha PJB
ઘરમાં બાર મહિનાનો સ્ટોક કરી રાખવા માટે ગૃહિણીઓ મસાલાની ખરીદી કરે છે. મોટા ભાગના ઘરમાં આ કામ વડીલનું ગણાય છે કેમ કે નવી પેઢીની મોટા ભાગની વર્કિંગ વુમનને આવું કામ કરવાનો સમય પણ નથી હોતો અને જો હોય તો આ કામ તેમને કંટાળાજનક અને માથાકૂટિયું લાગે છે. વળી, તેમનામાં આવી કોઠાસૂઝનો અભાવ પણ જોવા મળે છે.
ઘરે તૈયાર કરાતાં મસાલાની યોગ્ય જાળવણી કરવી પડે છે. એ કેવી રીતે કરી શકાય એ નવી પેઢીએ જૂની પેઢી પાસેથી શીખવા જેવું છે. ચાલો, આજે મસાલાની જાળવણી અને તેમાં થતી ભેળસેળ વિશે જાણીએ.
લાલ મરચું : મરચામાં નરી આંખે પણ ન દેખાય એવી રીતે ભેળસેળ કરવામાં આવે છે. જોકે, હાલમાં જરા જુદી રીતે ભેળસેળ કરાય છે. અગાઉ મરચામાં લાકડાંનો વેર કે છોલ ભેળવાતો હતો અને ઓઇલ સોલ્યુશન કલર ઉમેરી લાલચટાક બનાવાતું હતું. હવે આ રીત જૂની થઇ ગઇ છે. સારી બ્રાન્ડના મરચામાં લોકલ મરચાંની ભૂકી ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત મરચાંનાં ડીટિયાં, સડેલાં મરચાંને દળીને સારી બ્રાન્ડમાં ભેળસેળ કરવામાં આવે છે. આમ, લાલ મરચાંમાં મરચાંનાં બીનો પાઉડર, મરચાનાં ડીંટાંનો પાઉડર, મગફળીનાં ફોતરાં, લાકડાનો વેર, લાલ રંગની ભેળસેળ કરાય છે.
હળદર : હળદરને દળી નાખ્યા બાદ તેમાં માપસર ચોખાનો લોટ, ટેલકમ પાઉડર, ઈંટનો ચૂરો, લાકડાનો બારીક ભૂકો ભેળવવામાં આવે છે. બાદમાં તેમાં પીળા રંગનો ફૂડ કલર ઉમેરવામાં આવે છે. હળદરને વધુ સુગંધી માટે એસન્સનો અને પીળા રંગ માટે ઇન્ડસ્ટ્રિયલ કલરનો ઉપયોગ કરાય છે. ધાણાજીરુંમાં પણ લાકડાના વેરની મિલાવટ થાય છે.
ધાણાજીરું: ધાણામાં ખાખરાના સુકાયેલા પાંદડાંનો બારીક ભૂકો નાખવામાં આવે છે. ધાણાનાં ડાખળાં પણ દળી નાખવામાં આવે છે બાદમાં ધાણાજીરુંમાં તે ભેળવી દેવાય છે. ધાણાની સુગંધ જાળવી રાખવા માટે તેમાં પણ એસેન્સનો ઉપયોગ કરાય છે. લાકડાનો રંગીન વહેર, ઘોડાની લાદનો પાઉડરની પણ મિલાવટ થાય છે. હિંગમાં ચણાનો લોટ અને રંગેલો ગુંદર ભેળવવામાં આવે છે.
અન્ય મસાલા: ગરમ મસાલામાં કરાતી ભેળસેળમાં જીરું અને રાઈનાં કુરિયાંનો સમાવેશ થાય છે. જીરુંમાં વરિયાળી તથા શંખજીરુંની ભેળસેળ થાય છે. ગરમ મસાલામાં સૌથી વધારે રાઈનાં કુરિયાં ભેળસેળ થતી હોય છે.
ભેળસેળ થઇ છે એ કેમ ખબર પડે?
હળદરના પાઉડરને હથેળીમાં લઇ તેમાં એકાદ ટીપું પાણી નાખી આંગળીથી મસળી બાદમાં હાથ સાબુથી ધોઇ નાખવો. હાથ ધોવા છતાં પીળાશ રહી ગઇ હોય તો ભેળસેળરહિત હોવાનું માની શકાય. જ્યારે મરચાની ભૂકીની એક ચપટી ભરી મોંમા મૂકતા જ વધુ પડતી તીખાશ લાગે તો માનવું કે તેમાં ભેળસેળ થયેલી છે. આ ઉપરાંત પાણીમાં મરચાની ભૂકી નાખવાથી ઉપરના ભાગે પાણી લાલ થઇ જાય તો કલરની ભેળસેળ હોવાનું પકડી શકાય.