Published By : Patel Shital
- રસોઇના મસાલામાં પાવડર, ચોખાની કણકી, કાગળનો ભુક્કો વગેરેની અ… ધ… ધ…ભેળસેળ…
- નડિયાદમાં ૬૧,૬૯૦ કિલો જથ્થો જપ્ત…
ભરૂચ જિલ્લા સહિત રાજયના જુદા જુદા વિસ્તારોમાં અનાજથી માંડીને મસાલા સુધીમાં ભેળસેળ જણાય છે. કેટલીક વાર તો એટલી હદે ભેળસેળ કરવામાં આવે છે કે મસાલામાં ભેળસેળ કે ભેળસેળમાં મસાલો એવી પરિસ્થિતિ સર્જાય છે.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે રાજયમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડિયાદ ટીમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે હળદર, મરચાં પાઉડર, અથાણાના મસાલા અને ધાણા પાઉડર જેવા મસાલામાં ભેળસેળ પકડી હતી. નડિયાદમાં જૂની મિલ કમ્પાઉન્ડ પાસે આવેલ મે. દેવ સ્પાઇસિસ, કમલા ગામ ખાતે રેલ્વે ક્રોસિંગની બાજુમાં આવેલ મે. શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન અને નાની સીલોદ ખાતે આવેલ મે. ડી દેવ સ્પાઇસિસ પ્રા.લી.મા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પર મરચું, હળદર, ધાણા પાઉડર તથા અથાણાના મસાલાની પ્રાથમિક તપાસ કરતા હળદરની ઓલિયો રેઝિન, સ્ટાર્ચ પાઉડર, ચોખાની કણકી, કાગળનો ભૂકો વગેરે ભેળસેળ કરવા માટે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો હતો. જેથી તેના કુલ ૧૨ મસાલા અન્ય ભેળસેળ માટેના પદાર્થના કાયદેસરના નમૂનાઓ બન્ને જગ્યાએથી લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જયારે બાકીના ૬૧,૬૯૦ કિ.ગ્રા. જથ્થાની અંદાજીત કિંમત રૂ. ૭૩,૨૭,૦૫૦ થાય છે. આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમ કમિશ્નશનર ડો. કોશિયાએ જણાવ્યું હતું.