Published by : Anu Shukla
- સૂર્ય મંડળનું નવું-અદભૂત રહસ્ય શોધાયું
- અત્યારસુધી શનિ 83 ઉપગ્રહો સાથે સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ હતો
- વાયુનો વિરાટ ગોળો ગુરુ તારો બનતાં બનતાં રહી ગયેલો ફેઇલ્ડ સ્ટાર ગણાય છે
સૂર્ય મંડળનું અદભૂત અને વિશિષ્ટ રહસ્ય જાણવા મળ્યું છે. આ રહસ્ય એ છે કે સૂર્ય મંડળના સૌથી મોટા અને વાયુના વિરાટકાય ગ્રહ ગુરુ ફરતે નવા ૧૨ ઉપગ્રહ(ખગોળશાસ્ત્રની ભાષામાં ઉપગ્રહને ચંદ્ર–મૂન–કહેવાય છે) મળી આવ્યા છે. આ ૧૨ નવા ઉપગ્રહ સાથે ગુરુના કુલ ઉપગ્રહોની સંખ્યા વધીને ૯૨ થઇ ગઇ છે. અત્યારસુધી ગુરુ ફરતે ૮૦ ઉપગ્રહો ફરતા હોવાનું સંશોધન થયું છે.
અત્યારસુધી સૂર્ય મંડળનો પાઘડીધારી શનિ ૮૩ ઉપગ્રહો સાથે સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ હતો. જોકે ગુરુ હવે ૯૨ ઉપગ્રહો સાથે ખરા અર્થમાં આખા સૂર્ય મંડળનો સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો કિંગ ઓફ મૂન્સ બની ગયો છે. સૌર મંડળમાં ગુરુનો પરિવાર સૌથી વિશાળ-મોટો પરિવાર બની ગયો છે.
ગુરુના આ ૧૨ નવા ઉપગ્રહોની શોધ અમેરિકાની કાર્નેગી ઇન્સ્ટિટયુશન ફોર સાયન્સના ખગોળશાસ્ત્રી સ્કોટ શેપર્ડે કરી છે.
ગુરુના વિશિષ્ટ સંશોધનાત્મક અભ્યાસ માટે યુરોપિયન સ્પેસ એજન્સીનું જ્યુપીટર આઇસી મૂન એક્સપ્લોરર(જેયુઆઇસીઇ–જ્યુઇસ) ૨૦૨૩ના અપ્રિલમાં રવાના થવાનું છે. નાસાનું યુરોપા ક્લિપર અવકાશયાન પણ ૨૦૨૩ના અંતમાં જશે.
નવા સંશોધનથી ગુરુ વિશેની સમજણ અને સંશોધનની નવી દિશા ખુલશે. વાયુનો વિરાટ ગોળો ગુરુ ખરેખર તો આપણા સૂર્ય મંડળનો ફેઇલ્ડ સ્ટાર કહેવાય છે. એટલે કે ગુરુ આપણા સૂર્યની જેવો ઝળહળતો તારો બનતાં બનતાં રહી ગયો છે. જરા કલ્પના કરો કે જે મહાકાય ગુરુને ૯૨ ઉપગ્રહો હોય તેમાં કેટલું વિપુલ માત્રામાં દળ હોય સાથોસાથ તેનું ગુરુત્વાકર્ષણબળ પણ કલ્પનાતીત છે. સૂર્ય મંડળના સર્જન વખતે ગુરુને તારો (સ્ટાર) બનવા માટે જેટલું વધુ દળ અને પદાર્થ મળવાં જોઇએ તે નહીં મળ્યાં. સાથોસાથ ગુરુમાં હાઇડ્રોજન અને હિલિયમનું સંયોજન પણ થવું જરૂરી છે કે જેથી તેમાં તાપમાન અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય. આમ છતાં નવું સંશોધન એમ કહે છે કે ગુરુમાંથી રેડિયેશન(કિરણોત્સર્ગ) બહાર ફેંકાઇ રહ્યું હોવાથી તેની ભઠ્ઠી શરૂ થાય તેવી શક્યતા છે. આ કુદરતી પ્રક્રિયા મુજબ લગભગ બે-ત્રણ અબજ વર્ષ બાદ ગુરુ આપણા સૂર્ય જેવો ઝળહળતો તારો બને તેવી શક્યતા ખરી.
સાથોસાથ ગુરુની કુદરતી સિસ્ટમ પણ બહુ વિશિષ્ટ અને બહુ મોટી છે. ગુરુ ફરતે જે નવા ૧૨ ઉપગ્રહો મળ્યા છે તેની વિશે ખગોળશાસ્ત્રીઓને બહુ ઓછી માહિતી હતી. ગુરુની જેમ યુરેનસ અને નેપ્ચુન ગ્રહો ફરતે પણ વધુ ઉપગ્રહો હોય તે શક્ય છે.