બહૂચર્ચિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સ્ટાર કાસ્ટ અને બોલીવૂડના ક્યૂટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત દેખાઇ રહ્યું છે. આ વચ્ચે કપલ અને તેમની સાથે નિર્દેશક અયાન મુખર્જી ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિરમાં પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો કાર્યક્રમ હતો. તેમના આગમન પહેલા જ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં, દક્ષિણપંથી જૂથો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સભ્યોએ ભારે હંગામો કર્યો હતો.

અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી મંદિરમાં દર્શન કરવા પહોંચે તે પહેલાં જ કાર્યકર્તા મુખ્ય દ્વાર પર અને VVIP માટે બનેલા શંખ દ્વાર પર કાળા ધ્વજ બતાવવા માટે એકઠા થયા હતા. આટલું જ નહીં આ ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ બાબતે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, અભિનેતા કે અન્યને મંદિરમાં દર્શન કરવા જવાથી કોઇએ રોક્યા નથી, તેમણે પોતે જ ત્યાં ન જવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ફિલ્મના પ્રમોશન પછી, બ્રહ્માસ્ત્રના મુખ્ય કલાકારો, નિર્દેશક અયાન મુખર્જીની સાથે, મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા.આલિયા ભટ્ટ ગર્ભવતી હોવાથી આ હંગામા વચ્ચે મંદિરમાં ન જવાનું તેમણે નક્કી કર્યું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મંદિરમાં દર્શન વગર જ ઈન્દોર પરત ફર્યા હતા. ઉજ્જૈનના કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે, તેઓ ઈન્દોરથી મુંબઈ માટે ફ્લાઈટ લેશે. સિંઘે કહ્યું કે પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ માત્ર અયાન મુખર્જી જ મંદિરમાં દર્શન માટે ગયા હતા.