Published by : Rana Kajal
રાજ્યના આરોગ્ય વિભાગના કાયમી કર્મીઓને મહેનતાણું ચૂકવાયું…. કોન્ટ્રાક્ટના કર્મીઓને નહીં અપાતા રોષની લાગણી ફેલાઈ…કોરોના કાળમાં રાજ્યમા આરોગ્ય ખાતાના કર્મચારીઓએ જીવના જોખમે કામ કર્યું હતું. તેમ છતાં સરકારે માત્ર કાયમી કર્મચારીઓને પગાર ચૂકવ્યો હતો જ્યારે કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરતા કર્મચારીઓને વેતન ન ચૂકવતાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આમ કોરોના કાળમાં કરેલ કામગીરીના પગારમાં પણ સરકારે ભેદભાવ રાખ્યો હોવાનો આક્ષેપ કરવામા આવી રહયો છે.
કોરોનાકાળમાં ગયા વખતે રાજ્યભરમાં કાયમી કર્મચારીઓએ રજાના દિવસોમાં ડ્યુટી કરી હોય તો એ બાબતે ૧૩૦ દિવસનું વધારાનું મહેનતાણું ચૂકવાયું છે. પરંતુ આરોગ્ય વિભાગના કરાર આધારિત કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પણ કોરોના કાળમાં કપરા દિવસોમાં જીવના જોખમે રજાના દિવસોમાં કામ કર્યું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીઓને કોઈપણ જાતનું અલગ અને વધારાનુ મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. જેથી આવા ટેકનિકલ અને નોન ટેકનિકલ કોન્ટ્રાક્ટના હજારો કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે.
ભરૂચ જિલ્લા સહીત રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનો દ્વારા આ બાબતે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆતો સમયાંતરે થતી રહે છે પરંતુ આ બાબતે આવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને અલગથી મહેનતાણું હજી સુધી ચૂકવાયું નથી તેમ જ આ બાબતે તમામ જિલ્લામાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મિશન ડાયરેકટર (એનએચએમ)ને લેખિતમાં જાણ કરવામાં આવી છે. છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. તેથી આ બાબતે કોન્ટ્રાક્ટ પ્રથામા કામ કરતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે….