Published by : Anu Shukla
- કાવી-કંબોઇ સ્તંભેશ્વર તીર્થ સ્થાને રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટયા
- શિવાલય પર હજારો લિટર શેરડીના રસ, દૂધ, બીલી સહિતના દ્રવ્યોનો અભિષેક
- જંબુસરના ગુપ્તતીર્થ કંબોઇ ખાતે હજારો લોકોએ મહાલ્યો મેળો
- ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં શ્રદ્ધાળુઓની કતારો
- શિવ પરિવારની સવારી, 25 ફૂટના શિવલિંગ, ઘી ના કમળ, શિવ મેળા સહિતે જમાવ્યું આકર્ષણ
- શિવભક્તોએ અભિષેક, પૂજન, અર્ચન, દર્શન અને ભાંગની પ્રસાદી આરોગી મહાશિવરાત્રીની કરી ભવ્ય ઉજવણી
ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વે ભોળાશભુંની ભક્તિમાં ભક્તો મહાદેવમય બની ગયા હતા. ગુજરાતના મીની સોમનાથ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ સ્થાને રાજ્યભરમાંથી દર્શનાર્થીઓનું ઘોડાપુર છલકાયું હતું.
વહેલી સવારથી જ જિલ્લાના તમામ શિવાલયો અને મહાશિવરાત્રી આયોજન સ્થળોએ પૂજન, અર્ચન અને દર્શન કરી શિવ પરિવારની કૃપા મેળવવા ભક્તોએ કતારો લગાવી દીધી હતી.

ભરૂચ જિલ્લામાં શનિવારે મહાશિવરાત્રી પર્વની ભકિત સભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહા શિવરાત્રીના પાવન અવસરે ઠેર ઠેર ઘીના કમળના દર્શનની સાથે સાથે ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.
ભોળાનાથ મહાદેવની આરાધનાના પર્વ શિવરાત્રીની ઉજવણી માટે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ભાવિક ભકતોએ વહેલી સવારથી જ શિવાલયોમાં શિવજીના દર્શન માટે કતારો લગાવી હતી.
ભરૂચ શહેરના શકિતનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નવગ્રહ મંદિર, નવચોકીનો ઓવારો, નીલકંઠેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શિવમંદિરો તથા યુવક મંડળો દ્વારા ભાંગની પ્રસાદીનું વિતરણ દિવસભર ચાલ્યું હતું. જિલ્લામાં આવેલાં પૌરાણિક શિવમંદિરો ખાતે મેળા પણ યોજાયા હતા. શિવ પરિવારની શોભાયાત્રા, 25 ફૂટ, 15 ફૂટના શિવલિંગ, ચાર પ્રહરની પૂજા, લઘુરુદ્ર, હોમ, હવન વચ્ચે ભરૂચ જિલ્લો દિવસભર શિવભક્તિમાં લીન જોવા મળ્યો હતો.

જંબુસર નજીક આવેલાં કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રી નિમિત્તે કંબોઇ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ હજારો લિટર શેરડીના રસનો શિવલિંગ પર અભિષેક કરાયો હતો.
રાજ્યભરમાંથી દક્ષિણના મીની સોમનાથ સ્તંભેશ્વર તીર્થ સ્થાને મહાશિવરાત્રીએ ભક્તો દર્શન, પૂજન અને મેળો મહાલવા ઊમટતા દિવસભર લાંબી કતારો વચ્ચે ચક્કજામ જોવા મળ્યો હતો.