Published by : Rana Kajal
મહિલા પહેલવાનો ના યૌન શોષણ અંગે જ્યારે પુરાવા માંગવામાં આવી રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન ઉભો કરાયો છે કે યોન શોષણ બંધ રૂમમાં કરાતુ હોય તો પુરાવો ક્યાંથી રજૂ કરવામાં આવે ..? આ ઉપરાંત અન્ય પ્રશ્નો પણ ઉપસ્થિત કરવામા આવી રહ્યા છે… પહેલવાન યૌન શૌષણ કેસમાં સુપ્રીમના પૂર્વ જજ મદન બી લોકુરે મોટાં પ્રશ્નો ઉભા કર્યા છે સાથેજ દિલ્હી પોલીસની આકરી ટીકા પણ કરી છે…ભારતીય કુસ્તી સંઘના પ્રેસિડન્ટ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ સામેના મહિલા પહેલવાનોના યૌન શૌષણ કેસમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન બી લોકુરે એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે દિલ્હી પોલીસ પીડિત પહેલવાનો પાસે યૌન શૌષણના પુરાવા માગી રહી છે પરંતુ જ્યારે પણ કોઈનું યૌન શૌષણ થાય ત્યારે તે બંધ રુમમાં જ થતું હોય છે, આવી સ્થિતિમાં વીડિયોનો પુરાવો ક્યાંથી આવી શકે. લોકુરે કહ્યું કે સુપ્રીમ કોર્ટે એફઆઈઆર નોંધવામાં વિલંબ અંગે દિલ્હી પોલીસને આટલી સરળતાથી જવા દેવી જોઈએ નહીં.
ઓછામાં ઓછું સુપ્રીમ કોર્ટે આખી તપાસ પર જ નજર રાખવી જોઈએ. વધુમાં સુપ્રીમ કોર્ટે પોતે જ સ્વીકાર્યું હતું કે મહિલા કુસ્તીબાજો જોખમમાં છે. આવી સ્થિતિમાં, એવું ન કહેવું જોઈએ કે જો આગળ કંઈ થાય છે, તો તમે મેજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટમાં જઈ શકો છો. સુપ્રીમ કોર્ટે કહેવું જોઈતું હતું કે અમે આખી તપાસ પર જાતે નજર રાખીશું, જેથી કોઈ ખલેલ ન પડે. સુપ્રીમ કોર્ટે અગાઉ આવા કેસોમાં તપાસ પર નજર રાખી છે વધુમાં મદન બી લોકુરે જણાવ્યુ કે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ખૂબ જ ગંભીર પ્રકારના છે. પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં કરવાના પ્રયાસો પણ થયા છે. આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસની કાર્યવાહી ખૂબ જ ધીમી હતી અને તેનું કારણ સ્પષ્ટ છે. દેખીતી રીતે જ, પોલીસની મિલિભગત છે, પોલીસ નથી ઈચ્છતી તે તપાસ આગળ વધે. પોલીસ 100 સાક્ષીઓની વાત કરી રહી છે, પરંતુ યૌન શૌષણનો કોણ પુરાવો આપી શકે કારણ કે યૌન શૌષણ બંધ બારણામાં થયું હોવું જોઈએ. જસ્ટિસ લોકુરે પણ પહેલવાનો વિરુદ્ધ દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જે લોકો પીડિત હતા અને પોતાનું દર્દ વ્યક્ત કરવા માટે જંતર-મંતર પર આવ્યા હતા તેમને કલમ 144 હેઠળ અપરાધી બનાવવામાં આવ્યા હતા.
તપાસ 15 જૂન સુધી પૂરી કરી દેવામાં આવશે તેવા રમત મંત્રી અનુરાગ ઠાકુરના નિવેદન પર સવાલ ઉઠાવતાં પૂર્વ જસ્ટિસ લોકુરે કહ્યું કે અનુરાગ ઠાકુર આ કેવી રીતે જાણે છે? આ કિસ્સામાં, નિવેદન ફક્ત તપાસ અધિકારી દ્વારા જ આપી શકાય છે, બીજું કોઈ ન આપી શકે. વધુમાં વધુ તે તપાસને લગતી માહિતી પોતાના વરિષ્ઠ અધિકારી કે પોલીસ કમિશનરને આપી શકે છે. આનો અર્થ એ થયો કે પડદા પાછળ પણ કંઈક ચાલી રહ્યું છે, જે ખૂબ ગંભીર છે. કારણ કે ખુદ સુપ્રીમ કોર્ટ ઘણી વાર કહી ચૂકી છે કે, તપાસમાં કોઈ દખલ ન કરી શકે, સુપ્રીમ કોર્ટ પણ નહીં. તેમજ જસ્ટિસ લોકુરે સગીર પીડિતાની પાંચ કલાકની પૂછપરછ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ” પીડિતાએ લેખિત ફરિયાદ આપી છે, જેમાં દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીડિતાને કહેવામાં આવી રહ્યું છે કે તેણે જે આરોપ લગાવ્યો છે કે તે સાબિત કરી દેખાડે.લોકુરે એમ પણ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસની તપાસ આરોપીને નિર્દોષ અને પીડિતોને દોષી સાબિત કરવાની દિશામાં કામ કરી રહી છે. તમામ તથ્યો બહાર આવવા જોઈએ, પડદા પાછળની વસ્તુઓ નહીં.