Published By : Disha PJB
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રાજુભાઈ વેચાતભાઈ વણકર નામના દલિત યુવાનનો મોતનો મામલો વડોદરા પહોંચ્યો છે.દલિત યુવાન હોટલમાં દાલબાટી લેવા ગયો હતો અને જ્યાં કોઇ બાબત ઝગડો થતા કેટલાક અસામાજિક તત્વોએ દલિત યુવાનને ઢોર માર માર્યો હતો.જેમાં લીવર ફાટી જતાં યુવાનને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યાં યુવાનનું કરૂણ મોત નિપજ્યુ હતુ.ત્યારે આજે દલિત સમાજના લોકો પોસ્ટમોર્ટમ ખાતે આવી પહોંચ્યા હતા અને જ્યાં સુધી દલિત યુવાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
દલિત સમાજનાં આગેવાને આ મામલે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે દલિત સમાજના યુવાનને પેટમાં મારવામાં આવ્યુ અને પોલીસ કોઇ ફરિયાદ લેતી નથી. જ્યારે રાજકીય સંગઠન ઉભા થાય ત્યારે પોલીસ ફરિયાદ લે છે. કેસને કઇ રીતે પૂરો કરવો તેનું આયોજન પોલીસ કરી રહી છે.પોલીસને હુ ચેતવણી આપુ છુ કે જો આવીને આવી કામગીરી કરશે તો દલિતો એકઠા થઇને તમારો ઘેરાવ કરશે. આ મામલે પોલીસની શંકાસ્પદ કામગીરી છે. આ રીતે દલિતો પર થતા અત્યાચારો સહન કરવામાં નહીં આવે.

હાલ ઓછા લોકો એકઠા થયા છે બપોરના સમયે 2 હજાર જેટલા દલિત સમાજના લોકો ભેગા થશે.જ્યારે પોલીસનું કહેવુ છે કે આ મામલે આરોપીઓની પૂછપરછ ચાલુ છે હજુ અટકાયત કરવામાં ન આવતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
દલિત આગેવાન જીગ્નેશ મેવાણી વડોદરા આવી પહોંચ્યા હતા તેઓએ એસએસજી હોસ્પીટલ ખાતે પ્રતીક ધરણા યોજયાં હતા અને જણાવ્યું હતું કે, દાલબાટી જેવી બાબતમાં ઢોર માર મારવો અને લીવર ફાટીને મોત થાય આ ખૂબ જ ચિંતા જનક બાબત છે.એટલું જ નહીં પોલીસ દ્વારા પહેલી જે એફઆઇઆર કરવામાં આવી તે સામાન્ય ઇજાની કરવામાં આવી હતી.માણસ આઇસીયુમાં હોવા છતાં પોલીસનો પ્રથમ પ્રયાસ સામાન્ય ઘટનામાં ખપાવી દેવાનો હતો.
એટલું જ નહીં મૃતકને પહેલા મહેસાણા, પછી ગોધરા અને વડોદરા લાવવામાં આવ્યો ત્યારે એક પણ હોસ્પિટલ તંત્રએ પણ પોલીસને જાણ કરી નથી કે માણસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.ક્યાંકને ક્યાંક તંત્રનું ઉદાસીન વલણ દેખાય રહ્યું છે.આટલી મોટી ઘટના બનવા છતાં ભાજપનો એક પણ દલિત નેતા જોવા મળશે નહીં. મુખ્યમંત્રીની પણ કોઇ સંવેદના જોવા મળશે નહીં. ગુજરાતમાં દલિતોનું કોઇ મૂલ્ય ના હોય તેવી પરિસ્થિતનું નિર્માણ થયુ છે.પોલીસ દ્વારા આરોપી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે પછી જ મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.