Published by : Anu Shukla
કપૂરને હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. તેમજ કપૂરનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. તે સાથે જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ અનુસાર કપૂર માનવીની અનેક સમસ્યાઓને ચપટી વગાડતા દૂર કરી શકે છે. આ એક એવું વર્ક ટૂલ છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરી શકાય છે, જેની મદદથી તમે તમારું જીવન બદલી શકો છો. આ તમારી જીવનશૈલીને લગતી કોઈપણ સમસ્યાઓને દૂર કરી શકે છે. કપૂર એક ખાસ પ્રકારનું કેમિકલ છે, જેનો ઉપયોગ પૂજા, ઔષધિ અને સુગંધ એમ ત્રણેય હેતુની પૂર્તિ માટે થાય છે. નકારાત્મક ઉર્જાને દૂર કરવી તે પણ એક મહત્વની બાબત છે.
માનવામાં આવે છે કે કપૂરની સુગંધ મનને એકાગ્ર બનાવે છે. તેની આગ કફ નાશ કરે છે. દવા તરીકે કપૂરનો ઉપયોગ જોતા કપૂરનું તેલ ત્વચાના બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખે છે. તેનો ઉપયોગ બળતરા, ખીલ અને તૈલી ત્વચાની સારવારમાં થાય છે. કપૂર મિશ્રિત મલમનો ઉપયોગ સંધિવાની પીડાને દૂર કરવા માટે થાય છે. કપૂરયુક્ત મલમ લગાવવાથી ગરદનમાં દુખાવો થવા પર આરામ મળે છે. કપૂરનું તેલ લગાવવાથી કફના કારણે છાતીની જડતામાં રાહત મળે છે. ગરમીની ઋતુમાં જો કોઈને માથાના દુખાવાથી પરેશાની થતી હોય તો શૂંઠી, અર્જુનની છાલ અને સફેદ ચંદનને કપૂર સાથે પીસીને તેની પેસ્ટ બનાવીને લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. શરદી-ઠંડી હોય તો ગરમ પાણીમાં કપૂર નાખીને વરાળ લેવાથી તરત રાહત મળે છે. ઉધરસ આવે તો કપૂરને સરસવ કે તલના તેલમાં મિક્સ કરીને પીઠ અને છાતી પર હળવા હાથે માલિશ કરવાથી પણ રાહત મળે છે. કપૂર વાળ માટે પણ ફાયદાકારક છે. વધતા પ્રદૂષણ અને ખરાબ પાણીના ઉપયોગને કારણે લોકોમાં વાળ ખરવાની સમસ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ઉપરાંત ખોડાની સમસ્યાથી પીડાતા લોકો નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરીને લગાવો તો ઘણો ફાયદો થાય છે.
કપૂર ઘરને સુગંધિત પણ કરે છે જે માટે થોડું કપૂર લો અને તેને પીસી લો. તેમાં બે ચમચી લવંડર તેલ નાખીને આ સ્પ્રેને એક બોટલમાં નાખીને ઘરમાં છાંટી દો તો ઘર સુગંધિત થઈ જશે. આ રૂમ ફ્રેશનરની જેમ કામ કરશે. ત્વચામાં ખંજવાળ અને બળતરા માટે, એક કપ નાળિયેર તેલમાં એક ચમચી ગ્રાઉન્ડ કપૂર મિક્સ કરીને તેને લગાવો. શિયાળામાં ફાટેલી એડી માટે કપૂર શ્રેષ્ઠ ઉપચાર છે.