10 વર્ષથી ગુમ યુવકની અઢી વર્ષ પહેલા જ અંતિમવિધી કરાયા બાદ આ યુવક કોલકાતાથી બિનવારસી હાલતમાં મળી આવતા પરિવારને સોંપાયો હતો. માનસિક બિમાર અને તોતડાપણું ધરાવતા યુવકને કોલકાતાની સામાજીક સંસ્થાએ 9 મહિના સુધી સારવાર આપી હતી, બાદમાં તે ગુજરાતનો હોવાનું બહાર આવતા તપાસ થઇ હતી અને આખરે આ યુવક અમદાવાદની અમરાઇવાડી વિસ્તારનો નીકળતા પરિવારને સોંપાયો હતો.
10 વર્ષ પહેલા અમદાવાદમાંથી વિનોદ નામનો માનસિક બિમાર યુવક ગુમ થઈ કોલકાતા પહોંચી ગયો હતો. કોલકાતાની એનજીઓએ વિનોદની ટ્રીટમેન્ટ કરીને સાજો કર્યો ત્યારે અમદાવાદના વણજારા પરિવારનો હોવાનું જણાવ્યુ હતુ.
તાજેતરમાં સુરતના સામાજીક કાર્યકર પિયુષભાઇ શાહને 25 વર્ષીય વિનોદ અમદાવાદનો વતની હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તેઓએ સીઆઇડી ક્રાઇમ, મિસિંગ સેલ તેમજ બાળમિત્ર પરિવારની મદદ લીધી હતી અને અમદાવાદની અમરાઇવાડી વિસ્તારની 20થી વધુ સોસાયટીમાં રહેતા વણજારા પરિવારની પુછપરછ કરતા વિનોદનો પરિવાર મળી આવ્યો હતો. આખરે એનજીઓ તેમજ પોલીસના પ્રયત્નોથી 10 વર્ષથી વિખૂટા પડેલા વિનોદને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરંતુ દુર્ભાગ્ય એ કે વિનોદના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા અને તેનો મોટાભાઇ પણ બે મહિના પહેલા જ મોતને ભેટ્યો હતો. વિનોદના પરિવારમાં અઢી વર્ષ પહેલા તેની માતાનું જ્યારે અવસાન થયું ત્યારે વિનોદ પણ મળી આવ્યો નહીં હોવાથી તેની પણ અંતિમવિધી કરી દેવાઇ હતી.
નાના ભાઇ-ભાભીએ જવાબદારી ઉઠાવી. પોલીસ અને સામાજિક સંસ્થાએ વિનોદની તેના ભાઇ રમેશ અને ભાભી તેમજ અન્ય એક નાના ભાઇની સાથે મુલાકાત કરાવી હતી. વિનોદ માનસિક રીતે બિમાર હતો અને તેની છેલ્લા 10 મહિનાથી કોલકાતાની એનજીઓમાં સારવાર પણ ચાલતી હતી. ત્યારે વિનોદના નાના ભાઇ-ભાભીએ જવાબદારી ઉઠાવી હતી અને સાથે રહેવાનું કહેતા પોલીસે વિનોદને તેના ભાઇ-ભાભીને સોંપ્યો હતો.
એક જ ફોટોમાં વિનોદને ભાઇએ ઓળખી લીધો. સામાજીક સંસ્થા તેમજ સાઇબર સેલ દ્વારા વિનોદના ફોટોના આધારે અમદાવાદની અમરાઇવાડી વિસ્તારમાં તપાસ કરતા ત્યાં એક સોસાયટીમાં રહેતા પરિવારે તેનો ફોટો એક જ નજરમાં ઓળખી બતાવ્યો હતો. વિનોદ જીવતો હોવાનું જાણવા મળતા પરિવારે અશ્રુભીની આંખો સાથે હર્ષભેર વધાવી લીધા હતા.