Published by : Anu Shukla
ગોદરેજ પ્રોપર્ટીઝે મુંબઈના ચેમ્બુરમાં 1 એકરમાં ફેલાયેલો રાજ કપૂરનો બંગલો ખરીદ્યો છે. ગોદરેજ અહીં 500 કરોડ રૂપિયાનો લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ બનાવશે. પ્રીમિયમ એરિયામાં બનેલા આ બંગલાની કિંમત કરોડોમાં છે. રાજ કપૂરનો આ બંગલો દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સની બાજુમાં છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે આ બંગલો રાજ કપૂરના કાયદેસરના વારસદાર કપૂર પરિવાર પાસેથી ખરીદવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2019માં ગોદરેજ પ્રોપર્ટીઝે રાજ કપૂરનો પ્રખ્યાત આરકે સ્ટુડિયો પણ ખરીદ્યો હતો.
ગોદરેજ પ્રોપર્ટીઝ વારસાને આગળ ધપાવશે
રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરે જણાવ્યું હતું કે, “અમારા પરિવારમાં ચેમ્બુરના બંગલા સાથે ઘણી યાદો જોડાયેલી છે અને આ બંગલો અમારા પરિવાર માટે ખૂબ મહત્વ ધરાવે છે. અમને આશા છે કે ગોદરેજ પ્રોપર્ટીઝ તેના વારસાને આગળ વધારશે.”
રાજ કપૂરે આ બંગલો વર્ષ 1946માં ખરીદ્યો હતો
રાજ કપૂરે આ બંગલો વર્ષ 1946માં ખરીદ્યો હતો જ્યાં રાજ કપૂર તેમની પત્ની કૃષ્ણા રાજ અને પુત્રો સાથે રહેતા હતા. તેમના ત્રણ પુત્રો પણ આ ઘરમાંથી જ પરણ્યા હતા. આ બંગલો કૃષ્ણા રાજ કપૂરના નામે હતો. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં 2.2 એકરમાં ફેલાયેલ RK સ્ટુડિયોની માલિકી રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂરની હતી. વર્ષ 2017માં આગને કારણે આરકે સ્ટુડિયોનો મોટો ભાગ સળગી ગયો હતો. આ પછી કપૂર પરિવારે તેને વર્ષ 2019 માં વેચવાનું નક્કી કર્યું હતું.