- હરાજીમાંથી મળેલ રૂપિયા દીકરીઓના અભ્યાસ માટે વપરાશે
વડાપ્રધાનના માર્ગે ચાલી રહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. તેઓને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે અને તેના થકી જે રકમ મળશે તેને સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે વાપરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અંગેનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે.
અત્રે મહત્વનું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓને મળેલ ભેટ –સોગાદની હરાજી કરવામાં આવતી હતી અને તેનાથી મળતા નાણાંનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે કરવામાં આવતો હતો. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને મળેલી ચીજવસ્તુઓના વેચાણ થકી મળેલ નાણાનો કન્યા કેળવણીમાં ઉપયોગ કરવામાં આવતો હતો.