Published by : Rana Kajal
રાજ્યમાં શહેરી વિકાસને વેગ આપવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વિકાસલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં વધુ 7 નવી ટીપી સ્કીમને મંજૂરી આપી છે. અલંગ અને અમદાવાદની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થવાથી 23,250 EWS આવાસો, આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્માણ થશે. જાહેર સુવિધા માટે 25.56 હેક્ટર્સ અને બાગ-બગીચા, રમતના મેદાનો- ખૂલ્લી જગ્યા માટે 29.31 હેક્ટર્સ જમીન ફાળવવામાં આવશે. આ ટીપી સ્કીમમાં અમદાવાદની 4 પ્રિલિમિનરી સ્કીમ અને અલંગની 3 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ 3 ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે અલંગની જે 3 ડ્રાફટ ટી.પી મંજૂર કરી છે, તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.1 ત્રાપજ, સ્કીમ નં. 2 મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-3 અલંગ-મણાર –કઠવા ની સ્કીમનો સમાવેશ થાય છે. આ ડ્રાફ્ટ ટીપી સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી મળતા હવે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે. એટલું જ નહીં, આંતર માળખાકીય સવલતો પ્રાપ્ત થવાથી નાગરિકોના ઈઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે.