- બે મહિના અગાઉ ઉધના પટેલનગરમાં 24 વર્ષના રોહિતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
- પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થતા પ્રેમિકા અને તેના ભાઈ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
સુરતના ઉધના પટેલનગરમાં બે મહિના અગાઉ ગળેફાંસો ખાઈ 24 વર્ષના પરપ્રાંતીય યુવાને આત્મહત્યા કરી હતી. તેની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેની મુસ્લિમ પ્રેમિકા અને તેના ભાઈએ ગાયનું માંસ ખવડાવી ત્રાસ આપી ધમકી આપતા યુવાને આત્મહત્યા કરી હતી. આ હકીકતના આધારે ઉધના પોલીસે પ્રેમિકા અને તેના ભાઈ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ઉધના પટેલનગર પ્લોટ નં.122 માં રહેતા 27 વર્ષીય રોહિત અજીત પ્રતાપસિંગે ગત 27 જુનની બપોરે 2.30 વાગ્યે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રોહિતને નજીકમાં જ પોતાના ભાઈ મુક્તાર જાકીર અલી સાથે રહેતી મૂળ ઉત્તરપ્રદેશના ઔરૈયા જીલ્લાના લાહરાપુરના કરચાલાની મુસ્લિમ યુવતી સોનમ સાથે પ્રેમ સંબંધ હતો.જોકે, રોહિત હિન્દૂ હોવા છતાં તેને પ્રેમિકા અને ભાઈએ ગાયનું માંસ ખવડાવી ત્રાસ આપી ધમકી આપતા તેણે આત્મહત્યા કરી હતી.
આ હકીકતના આધારે ઉધના પોલીસે ગતરોજ રોહિતના વાલીની ફરિયાદના આધારે રોહિતની પ્રેમિકા સોનમ અને તેના ભાઈ મુક્તાર અલી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.