મેક્સિકોના ડ્રગ માફિયાઓ પાસે 600 વિમાન, 75 હજારની પ્રાઈવેટ સેના તેમજ અન્ય હથિયારો સાથેજ રોજના સરેરાશ 120 હત્યાનો કાળો ઇતિહાસ છે.
તાજેતરમાં મેક્સિકો સિટીમાં ગુરુવાર તા 6 ઓક્ટોબર ના રોજ ડ્રગ કાર્ટેલનો ખૂની ખેલ ફરી સામે આવ્યો હતો. મેકસિકોના સિટી હોલમાં થયેલા ગેંગવોર ગોળીબારમાં મેયર કોનરાડો મેન્ડોઝા સહિત કુલ 18 લોકોના મોત નીપજ્યા હતા. આશરે 13 કરોડની વસતી ધરાવતું મેક્સિકો 40 વર્ષથી કાળા ડ્રગ કાર્ટેલની જાળમાં ફસાયેલું છે. જેમાં નશીલા દ્રવ્યો જેવા કે અફીણ, હેરોઈન અને મારિજુઆનાની દાણચોરી એક સમાનાંતર સરકાર તરીકે કાર્યરત છે. મેક્સિકોની લગભગ 150 થી વધુ કાર્ટેલ વાર્ષિક લગભગ રૂ.2.50 લાખ કરોડની ડ્રગ્સની દાણચોરી અમેરિકામાં કરે છે. કાર્ટેલ એટલે કે આ સંગઠિત ટોળકીઓ પાસે લગભગ 75 હજાર ગુંડાઓની પ્રાઈવેટ સેના છે. જે કોઈપણ વારદાતને અંજામ આપી શકે છે આ કાર્ટેલ અંદરો અંદર ખૂની સંઘર્ષ થતો રહે છે.આ અંગે મેક્સિકોના ગૃહમંત્રાલયના રિપોર્ટ મુજબ ગેંગવોરને કારણે દેશમાં દરરોજ સરેરાશ 120 હત્યા થાય છે. કોરોનાકાળ દરમિયાન લોક ડાઉન હોવા છતાં આ સંખ્યા 118 હતી. લૉકડાઉન હોવા છતાં મેક્સિકોમાં ડ્રગ્સના ધંધા પર કોઈ બ્રેક ન હતી. સિનાલોઆ કાર્ટેલ પાસે 600થી વધુ વિમાન અને હેલિકોપ્ટર છે. નવાઈની બાબત એ છે કે આ સંખ્યા મેક્સિકોની સૌથી મોટી એરલાઈન્સ એરો મેક્સિકોથી 5 ગણી છે. આ તમામ વિમાન કાર્ટેલે અમેરિકામાંથી ખરીદ્યા છે.આ ઉપરાંત એકે-47, એમ-80 જેવી રાઈફલોનો જથ્થો, સાથે રોકેટ લોન્ચર નો ઉપયોગ પણ મેક્સીકોમાં ગેંગવોરમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે.