Published By : Parul Patel
આજરોજ તા. 15મી ઓગસ્ટને સ્વાતંત્ર્યપર્વની ઉજવણી નિમિતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત અસ્મિતા વિકાસ કેંન્દ્રના પ્રાંગણમા મનોદિવ્યાંગ બાળકો દ્વારા અનોખી રીતે પર્વની ઉજવણી કરાઇ.

અસ્મિતા વિકાસ કેન્દ્રના કર્મચારીઓ સંસ્થાના ખજાનચી કિર્તીભાઇ પટેલ તથા સમગ્ર સ્ટાફની સાથે સંસ્થાના સ્થાપક પ્રવિણભાઇ પટેલ તથા શ્રીમતી અરુણાબેન તથા તેમના પરિવારજનો (USA થી ઓનલાઇન) જોડાઇને 15મી ઓગષ્ટની ઉજવણી કરવામા આવી. સંસ્થાના મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ સંસ્થાના સૌથી વયોવૃદ્ધ વડીલ કર્મચારી ના હસ્તે ધ્વજ ફરકાવ્યો, જેથી બગીચામા માળી તરીકે ફરજ બજાવતા વડીલ કર્મચારી શ્રી જશુભાઇ પરમાર અને
ગૌશાળામા ગોવાળની ફરજ બજાવતા શ્રી ગુમાનભાઇ આહીરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સમુહમા રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગીત ગાઇને ઉજવણી કરવામા આવી.

શાળાના મનોદિવ્યાંગ બાળકો તથા શિક્ષકો દ્વારા દેશભક્તિ ગીત રજુ કરવામા આવ્યા. મનોદિવ્યાંગ બાળકોએ દેશભક્તિ ગીત પર સુંદર નૃત્ય રજુ કર્યુ. આચાર્યના માર્ગદર્શન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. ભરુચ જિલ્લા પોસ્ટ ઓફિસના સુપ્રીટેંન્ડટ શ્રી પરમાર સાહેબ તથા તેમના સ્ટાફ ધ્વારા મનોદિવ્યાંગ બાળકો, કર્મચારીઓને રાષ્ટ્ર ધ્વજ અર્પણ કરવામાં આવ્યા હતા. સરકારશ્રી દ્વારા ભારતીય સમાજને એકતા તથા દેશ ભક્તિની ભાવના સાથે જોડવાનો પ્રયાસ એવા “મેરી મીટ્ટી મેરા દેશ” અંતર્ગત સંસ્થાની દિકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરી પવિત્ર માટીને પ્રણામ કર્યાં. આ પ્રસંગે ભારતીય સ્વતંત્રતાના સેનાપતિઓ, શહીદો, તથા વિરાંગનાઓને સન્માન આપી તેઓને શ્રધ્ધાજલી આપવામા આવી.