ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી આ વખતે સુરતના જ્વેલર્સ દ્વારા યુનિક રાખડી તૈયાર કરવામાં આવી છે, જેમાં ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ અને પ્લેટિનિયમના રૂપમાં અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. સામાન્ય રીતે રૂપિયા 400ની સિલ્વર રાખડીઓથી લઈ રૂપિયા 10 લાખ સુધીની ગોલ્ડ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેને ખરીદવા માટે મુંબઈથી પણ બહેનો આવી રહી હોવાનું જ્વેલર્સ કહી રહ્યા છે.
રાખડીઓનો બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ
સિલ્વરથી લઈ ગોલ્ડમાં તૈયાર કરાયેલી રાખડીઓના ઉપયોગ બાદમાં બ્રેસલેટ તરીકે પણ કરી શકાય છે. જેથી ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની એક ભેટ યાદરૂપે રહી જાય છે. જ્વેલર્સ વેપારી દ્વારા ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ખાસ ટુ ઇન વન રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેનો બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને રાખડી તરીકે પણ ઉપયોગ લઈ શકાય છે. આ સાથે એક ઈન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય છે.

અલગ અલગ થીમ બેઝ રાખડીઓ
સુરતમાં આ વર્ષે ખાસ અલગ અલગ થીમ બેઝ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક, ઓમ, કૃષ્ણ ભગવાનના ફોટો ફ્રેમ સહિતની રાખડીઓ સિલ્વર અને ગોલ્ડ સહિત પ્લેટિનમમાં બનાવવામાં આવી છે. ખાસ તો બહેન પોતાના વીરાની કલાઈ ઉપર રક્ષાબંધનના પર્વ નિમિત્તે એકથી એક અવનવી રાખડી બાંધવા પસંદ કરતી હોય છે. જે બાબતને પણ ધ્યાનમાં રાખી જ્વેલર્સ વેપારી દ્વારા “ભાઈ” નામના શબ્દવાળી રાખડી ગોલ્ડ અને સિલ્વરમાં બનાવવામાં આવી છે. જે રાખડીનું ચલણ પણ સૌથી વધુ હાલ જોવા મળી રહ્યું છે. સુરતમાં દસ લાખની રાખડીએ સૌથી મોંઘી રાખડી છે. જે માત્ર શ્રીમંત પરિવાર માટે ખરીદવુ શક્ય છે.
