- આંકલાવના ખાનગી ફાર્મ હાઉસમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ
- પોલીસે એન્ટ્રી મારીને રંગમાં ભંગ પાડી દીધો
- 10 યુવતીઓ મળીને 25 જેટલા યુવાનોએ આ પાર્ટીમાં ભાગ લીધો હતો
આંકલાવ પોલીસ મથકમાં મોઢું સંતાડતા નબિરીઓ દારૂની પાર્ટી કરીને નશામાં ચૂર હતા. માલેતુજાર પરિવારોના નબિરાઓની આંકલાવના ખાનગી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી કે પોલીસે એન્ટ્રી મારીને રંગમાં ભંગ પાડી દીધો. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવના ખાનગી ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા પહોંચેલા મોટા ભાગના યુવક-યુવતીઓ વડોદરાના હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

રાજ્યમાં કાગળ પર દારૂબંધી છે. પરંતુ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવી રહી છે તે તો સૌ કોઇ જાણે જ છે. દારૂબંધીને સફળ બનાવવા માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે. ગતરાત્રે આંકલાવના એક ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બર્થ ડે પાર્ટી સામાન્ય ન હતી, પરંતુ તેમાં ભાગ લેનારાઓ માટે દારૂ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 10 યુવતીઓ મળીને 25 જેટલા યુવાનોએ આ પાર્ટીમાં ભાગ લીધો હતો. દારૂની પાર્ટીની મહેફિલ જામી હતી. યુવક-યુવતી દારૂના નશામાં ચૂર બન્યા હતા. પાર્ટીનો રંગ વધુ જામે તે પહેલા જ આંકલાવ પોલીસે ફાર્મહાઉસમાં એન્ટ્રી મારી દીધી હતી. અને રંગમાં ભંગ પાડ્યો હતો.

25 યુવક-યુવતીઓની અટકાયત કરીને તમામને સ્થાનિક પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં તમામ કેમેરાથી મોઢું સંતાડતા જોવા મળ્યા હતા. પોલીસે પ્રોબિહીશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલા મોટાભાગના નબિરાઓ વડોદરાના હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવશે.