- ભરૂચ જિલ્લા વહિવટી તંત્રની વધુ સતર્કતા અને ફિટનેસ ઈન્સ્પેકશનના અભાવે વિવિધ ચકડોળો શોભાના પૂતળા સમાન
- મેળાનો શનિવારે બીજો દિવસ છતાં આંનદ પ્રમોદની તમામ રાઈડ્સ ભરૂચમાં ટેક્નિકલ કર્મચારીના અભાવે શરૂ થવા સામે પ્રશ્નાર્થ
ભરૂચના શુકલતીર્થ ગામે ત્રીજા વર્ષે પાંચ દિવસીય જાત્રા યોજાઈ છે. મેળાનો શનિવારે બીજો દિવસ હોવા છતાં મોરબીની ઘટના બાદ મનોરંજન એવા ચકડોળો ઉપર ગ્રહણ લાગી ગયું છે.

મોરબીની હોનારતે આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ઘટનાની ગાજ ગ્રહણ રૂપે ભરૂચમાં કોરોના કાળ બાદ યોજાઈ રહેલી શુકલતીર્થની જાત્રા ઉપર પણ વરસી છે.જિલ્લા વહીવટી તંત્રની વધુ સતર્કતા અને કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ટાળવાની પહેલે મેળામાં બીજા દિવસે પણ મનોરંજનની રોનક જોવા મળી રહી નથી.ભરૂચ માર્ગ અને મકાન વિભાગ પાસે ટેક્નિકલ કર્મચારી નહિ હોવાથી મેળામાં મનોરંજનની વિવિધ રાઈડ્સનું ઈન્સ્પેકશન થઈ શક્યું નથી. ઈન્સ્પેકશન વગર ફિટનેસ સર્ટિફિકેટ મળી શકે તેમ નહિ હોવાથી ઉભી કરાયેલી અનેક ચકડોળો હાલ શો-પીસ બની રહી છે.

મનોરંજન માટે વિવિધ રાઈડ્સ ઉભી કરનાર આયોજકને માથે લાખો રૂપિયાનો આર્થિક બોજ આવી પડ્યો છે. ફિટનેસ સર્ટિ ઈન્સ્પેકશન વગર થઈ શકે તેમ ન હોય મેળો પૂર્ણ થઈ જવા છતાં પણ મનોરંજન માટેની ચકડોળો શરૂ થઈ શકે તેમ નહિ હોવાની સ્થિતિ સર્જાઈ છે.