ગુરુવાર, 11 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ અને રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષા બંધનના દિવસે આખો દિવસ ભદ્રાનો સાયો રહેવાનો છે. શનિદેવની બહેન ભદ્રાના સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રક્ષાબંધનના દિવસે ભદ્રા હોય તો તે સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. આ વખતે શ્રાવણ પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે 11.08 વાગ્યાથી શરૂ થશે. પૂનમ બીજા દિવસે એટલે 12 ઓગસ્ટના રોજ સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. તે પછી શ્રાવણનો વદ પક્ષ શરૂ થઈ જશે. પંચાંગ ભેદના કારણે અનેક ક્ષેત્રોમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઉજવાશે.
સૂર્યોદયથી પૂનમ તિથિ ત્રણ મુહૂર્તથી પણ ઓછા સમય સુધી રહેશે. એટલે રક્ષાબંધન પર્વ 11 ઓગસ્ટના રોજ વધારે શુભ રહેશે. 11 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રા રહેશે. ભદ્રા રાતે 8.30 વાગ્યા સુધી રહેશે. તે પછી જ રાખડી બાંધવી જોઈએ. આ દિવસે રાતે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોખડિયું રહેશે. આ સમયે રાખડી બાંધવી વધારે શુભ રહેશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/raksha-bandhan-2021-1024x768.jpg)
ભદ્રા સાથે જોડાયેલી માન્યતા
પં. શર્માના જણાવ્યા પ્રમાણે ભદ્રાને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. થોડા વિદ્વાનો પ્રમાણે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતા નથી. શુભ કાર્ય જેમ કે, લગ્ન, મૂંડન, નવા ઘરમાં પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે.
રક્ષાબંધનના દિવસે ગ્રહ સ્થિતિ
રક્ષા બંધનના દિવસે ગુરુ મીન રાશિમાં વક્રી રહેશે. ચંદ્ર શનિ સાથે મકર રાશિમાં રહેશે. આ ગ્રહોની યુતિથી વિષ યોગ બને છે. ગુરુની દૃષ્ટિ સૂર્ય ઉપર રહેશે, સૂર્યની શનિ ઉપર તથા શનિની ગુરુ ઉપર દૃષ્ટિ રહેશે. ગ્રહોના આ યોગમાં આપણે વધારે સાવધાની રાખવી જોઈએ. નાની બેદરકારી પણ નુકસાન કરાવી શકે છે.