Published by : Anu Shukla
ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.
જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ
ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ, NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.