Published by : Vanshika Gor
નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ તો ભારતે જીતી લીધી છે, પરંતુ આ મેચમાં રવિન્દ્ર જાડેજાને દંડ ફટકારાયો છે. પ્રથમ ટેસ્ટમાં આંગળી પર ક્રીમ લગાવ્યા બાદ વિવાદ સર્જાયો હતો. તેને મેચ ફીના 25 ટકા દંડ ફટકારાયો છે. જાડેજાએ આઈસીસી કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નું ઉલ્લંધન કર્યું છે. જે બદલ આ દંડ ફટકારાયો છે.
આ માટે દંડ ફટકાર્યો
મેચના પહેલા દિવસે 9 ફેબ્રુઆરીએ જાડેજા પોતાની આંગળી પર ક્રીમ લગાવતો જોવા મળ્યો હતો. જાડેજાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મોહમ્મદ સિરાજ પાસેથી કંઈક લઈ રહ્યો છે અને તેને ડાબા હાથની આંગળી પર લગાવી રહ્યો છે. આ કારણથી ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજાને ચીટર કહ્યો, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે કહ્યું કે જાડેજાને આંગળીમાં ઈજા છે અને તે ડાબા હાથ પર ક્રીમ લગાવી રહ્યો છે. પરંતુ તે મેદાન પરના અમ્પાયરોની પરવાનગી વિના આપવામાં આવ્યું હતું.
જાડેજાએ ભૂલ સ્વીકારી
ICCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જાડેજાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને ICC મેચ રેફરી એન્ડી પ્રિક્રોફ્ટ દ્વારા આપવામાં આવેલી સજાને સ્વીકારી લીધી, તેથી કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર નથી. મેચ રેફરીએ સ્વીકાર્યું કે જાડેજાએ માત્ર તબીબી કારણોસર પોતાની આંગળી પર ક્રીમ લગાવી હતી અને તેનો ઈરાદો બોલ સાથે ચેડા કરવાનો નહોતો. તેનાથી બોલની સ્થિતિ પણ બદલાઈ ન હતી. મેદાન પરના અમ્પાયર નીતિન મેનન, રિચર્ડ લિંગવર્થ, ત્રીજા અમ્પાયર માઈકલ ગફ અને ચોથા અમ્પાયર કેએન અનંતપદ્મનાભને જાડેજા પર આરોપ મૂક્યો હતો.